હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોના વિરોધ વચ્ચે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા રદ કરવાનો નિર્ણય
વડોદરાઃ હિન્દુ સંગઠનો અને સાધુ સંતોના વિરોધવચ્ચે વહીવટીતંત્રએ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા રદ કરવાનો નિર્ણય લીધો છે.
રાજપીપળાથી મળતા અહેવાલ મુજબ,નર્મદામાં પાણી છોડાતાં પરિક્રમાવાસીઓ માટે બનાવેલા હંગામી બ્રિજનું ધોવાણ થયું હતું.જો કે ત્યારબાદ પાણીની સપાટી સ્થિર થઇ હતી.પરંતુ એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા આ સપાટી પણ જોખમી હોવાનો મત અપાયો હતો.
બીજીતરફ બોટ માટેની જેટી તૂટી ગઇ હોવાથી તેને બનાવવામાં પણ તંત્ર નિષ્ફળ ગયું છે.જેથી છેલ્લા પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા નદી વાળા માર્ગે રદ કરવામાં આવી છે.વહીવટી તંત્રની પહેલેથી રસ્તામાર્ગે પરિક્રમા કરવામાં આવે તેવી ઇચ્છા હતી અને હવે બાકીના પાંચ દિવસ ૮૪ કિમી જેટલા રસ્તા માર્ગે કરવા અપીલ કરવામાં આવી છે.
મગર અને પાણી વધુ હોવાથી દુર્ઘટના ના બને તે માટે નદી નહિં ઓળંગવા ફરમાન
નર્મદા-રાજપીપળાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી કે ઉઘાડે એક જાહેરનામું બહાર પાડી કહ્યંુ છે ક,નર્મદા નદીમાં પાણી છોડવાને કારણે બ્રિજનું ધોવાણ થયું છે.પાણીની સપાટી પણ વધુ છે.મગરોનો પણ તેમાં વસવાટ છે.જેથી કોઇ દુર્ઘટના ના સર્જાય તે માટે પરિક્રમાવાસીઓને નદીના પટમાં નહિં જવા તેમજ નદી પાર નહિં કરવા ફરમાન કરવામાં આવે છે.