Get The App

ઘરકામ અને સ્કૂલે જવા માતાના ઠપકાથી વિદ્યાર્થિનીએ ઘર છોડયું

શિક્ષિકાની પુત્રીએ પિતા ઓસ્ટ્રેલિયા છે તેવું ખોટું કહ્યું ઃ અંકલેશ્વરની કિશોરીને આખરે માતા-પિતાને સોંપાઇ

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
ઘરકામ અને સ્કૂલે જવા માતાના ઠપકાથી વિદ્યાર્થિનીએ ઘર છોડયું 1 - image

વડોદરા, તા.2 માતા ઘરકામ તેમજ સ્કૂલે જવા માટે વારંવાર કહેતી હોવાથી ગુસ્સામાં આવી ગયેલી અંકલેશ્વરની ધોરણ-૯ની વિદ્યાર્થિની ઘેરથી નીકળીને વડોદરા રેલવે સ્ટેશન પર આવી ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૬ પર રેલવે પોલીસના મહિલા કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે આશરે ૧૪ વર્ષની એક કિશોરી રેલવે સ્ટેશન પર શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસ દ્વારા કિશોરીની પૂછપરછ કરતાં તે યોગ્ય જવાબ આપતી ન હતી. તેની પાસે ટિકિટ નહી હોવાથી તે અંગે વધુ પૂછપરછ કરી ત્યારે પોતે ઘેરથી કહીને જ નીકળી છે તેમ જણાવ્યું  હતું. જો કે તેના ખુલાસા યોગ્ય નહી જણાતા રેલવે પોલીસ સ્ટેશન લઇ જવાઇ હતી.

પોલીસે તેનું નામ, સરનામું તેમજ માતા અને પિતાનું નામ પૂછતા પોતે અંકલેશ્વરની રહીશ તેમજ માતા એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા હોવાનું જણાવ્યું  હતું. કિશોરીએ પ્રથમ પોતાના પિતા ઓસ્ટ્રેલિયા રહે છે અને માતાની સાથે રહે છે તેમ કહ્યું હતું પરંતુ બાદમાં પોલીસે અંકલેશ્વરની સ્કૂલના પ્રિન્સિપાલનો સંપર્ક કરી કિશોરીની માતા સાથે વાત કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે તા.૨૯ની રાત્રે ૧૧ વાગે પુત્રી ઘેરથી ગુમ થઇ ગઇ છે.

બાદમાં કિશોરીની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે મારી માતા મને ઘરકામ અને સ્કૂલમાં જવા બાબતે વારંવાર ટોક ટોક કરતાં  હોવાથી ગુસ્સામાં આવી જઇને હું ઘેરથી નીકળી ભરૃચ રેલવે સ્ટેશન પર આવીને બીજી ટ્રેનમાં બેસી વડોદરા રેલવે સ્ટેશન પર આવી ગઇ હતી. કિશોરી ગુમ થવા અંગે અંકલેશ્વરમાં ગુનો પણ દાખલ થયો  હતો. આજે કિશોરીનો તેના માતા અને પિતાને કબજો સોંપવામાં આવ્યો  હતો.




Google NewsGoogle News