વિશ્વામિત્રીના પાણીની સાથે બહાર નીકળી આવેલા મગરોની દોડાદોડીઃબિલ,સમા,અકોટા,મકરપુરામાં મગરો દેખાયા
વડોદરાઃ વિશ્વામિત્રી નદીમાં પાણીના વહેણની સાથે બહાર આવી ગયેલા મગરોની દોડાદોડી શરૃ થઇ છે.પૂર દરમિયાન વિવિધ વિસ્તારોમાં મગરોએ દેખા દીધી હોવાના વીડિયો વાયરલ થયા છે.જે પૈકી બે સ્થળે મગરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
વિશ્વામિત્રી નદીમાં મગરો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા હોવાથી નવા પાણીની આવકને કારણે મગરો બહાર આવી રહ્યા છે.બે દિવસ દરમિયાન શહેરના નરહરિ હોસ્પિટલ અને જલારામ નગરમાં મગરોએ દેખા દીધી હોવાના બનાવ બન્યા છે.
જ્યારે,ગઇરાતે મકરપુરા વિસ્તારની અંજની રેસિડેન્સી નજીક ત્રણેક ફૂટનો એક મગર આવી જતાં સાંઇ દ્વારકામાઇ સંસ્થાના કાર્યકરોએ મગરનું રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.આવી જ રીતે સમા સાવલી રોડ પર અજીતનગર ખાતેથી પણ ત્રણ ફૂટના મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
આવી જ રીતે બિલ ચાપડ ગામે પણ રહેણાંક વિસ્તાર નજીક પાંચેક ફૂટના મગર દોડતો હોવાનો અને તેને જોઇ લોકો બૂમરાણ કરી નાસભાગ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.તો અકોટા મહારાજા ચોકડી પાસે પણ એક મગરે દેખા દીધી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.