ભાજપના કોર્પોરેટર સામે છેતરપિંડી, વિશ્વાસઘાત તથા મારી નાંખવાની ધમકી આપી હોવાનો ગુનો દાખલ
સાડા ચાર વર્ષ સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાનાર બિલ્ડરને છેવટે કોર્ટથી ન્યાય મળ્યો, માંજલપુર પોલીસે ફરિયાદ નોંધવી પડી
વડોદરા,સાડા ચાર વર્ષ સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાનાર બિલ્ડરને છેવટે કોર્ટથી રાહત મળી હતી. કોર્ટે ઓર્ડર કર્યા પછી દોડતી થઇ ગયેલી માંજલપુર પોલીસે ભાજપના કોર્પોરેટર સામે છેતરપિંડી, વિશ્વાસઘાત તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં એ.પી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદાર પ્રાણનાથ એસ.શેટ્ટી ( રહે. ગજાનંદ સોસાયટી, માંજલપુર નાકા) એ જણાવ્યું છે કે, ભાજપના કોર્પોરેટર કલ્પેશ મનુભાઇ પટેલે માંજલપુર વિસ્તારમાં આવેલી વૈષ્ણોદેવી સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બે દુકાનો તેમજ બીજો અને ત્રીજો માળ દોઢ કરોડમાં આપવાનું કહી એક કરોડ લઇ લીધા હતા. પરંતુ, તે મિલકતપર બેન્ક ઓફ બરોડામાં તારણમાં મૂકી હતી. જેની ૧.૧૦ કરોડ જેટલી રકમ બાકી પડે છે.
હું જ્યારે પણ પૈસા પરત લેવા માટે જતો ત્યારે કલ્પેશ પટેલ મને કહેતો હતો કે, હું વગદાર વ્યક્તિ છું. ખૂબ મોટા રાજકારણીઓ સાથે મારી ભાગીદારી છે. તેઓ ધારે તે કરી શકે છે. એટલી તાકાત છે કે, તમને ઘરે પણ જવા ના દે. તેવી ગર્ભિત ધમકી આપી હતી. ત્યારબાદ તેણે જાણી જોઇને રિવોલ્વર સાફ કરી તેનું ટ્રિગર દબાવી મારા પર ધાક જમાવવાનો પ્રયાસ કર્યો હતો.