નોટિસ વગર ધરપકડ કેમ કરી તેવો સવાલ કોર્ટે પુછતા ક્રાઇમ બ્રાંચને પરસેવો પડી ગયો
મહિલા ધારાસભ્ય સામે આક્રોશ વ્યક્ત કરનાર વેપારીની ધરપકડમાં સુપ્રિમ કોર્ટના ચૂકાદાનું પાલન કરાયુ નથી, કોર્ટે વેપારીને જામીન મુક્ત કર્યા
વડોદરા : પૂરની પરિસ્થિતિ સામે લડયા બાદ સ્થાનિક મહિલા ધારાસભ્ય સામે આક્રોશ વ્યક્ત કરનાર વેપારીની ધરપકડ બાદ કોર્ટે આજે તેઓને જામીન મુક્ત કર્યા હતા. જો કે પોલીસે રાજકીય હાથો બનીને વેપારી સામે કાર્યવાહી કરી હોવાનો આક્રોશ લોકોમા જોવા મળી રહ્યો છે.
પૂરમાં બરબાદ થયેલા વડોદરાના લોકોને હવે ભાજપના શાસનમાં વિરોધ વ્યક્ત કરવાની પણ સ્વતંત્રતા નથી. હરણી રોડ ઉપર સિલ્વર ઓક ફ્લેટમાં રહેતા ૪૫ વર્ષના વેપારી કુલદીપ ભટ્ટ અને તેનો પરિવાર પણ પૂરનો ભોગ બન્યા છે જેથી ગુસ્સામાં આવીને મીડિયામાં આપેલા એક ઇન્ટરવ્યુમાં આ વેપારીએ મહિલા ધારાસભ્ય સામે ગુસ્સો ઠાલવ્યો હતો. આ વાત શહેર ભાજપને ગમી નહી અને કુલદીપ ભટ્ટ સામે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધવામાં આવી. તેની ધરપકડ કરવામા આવી હતી.
મહિલા ધારાસભ્ય સામે આક્રોશ વ્યક્ત કરનાર પૂર પિડિત વેપારીની ધરપકડ તો કરી નાખી પરંતુ કોર્ટમાં જવાબ આપવામાં ક્રાઇમ બ્રાંચને ફાંફા પડી ગયા