ખોટી પાવર ઓફ એટર્ની બનાવી સગા ભાઈએ જમીન વેચી નાખી

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
ખોટી પાવર ઓફ એટર્ની બનાવી સગા ભાઈએ જમીન વેચી નાખી 1 - image


લંડનમાં રહેતી બહેનની જાણ બહાર 

ગામડીની સીમમાં આવેલી ૨૮ ગુંઠા જમીનનો સાગરિત સાથે મળી વેચાણ દસ્તાવેજ કરી નાખ્યાની ફરિયાદ

આણંદ: લંડનમાં રહેતી સગી બહેનની જાણ બહાર ખોટી પાવર ઓફ એટર્ની બનાવી ભાઈએ મળતિયા સાથે મળી અન્ય વ્યક્તિને ગામડી ગામની સીમમાં આવેલી ૨૮ ગુંઠા જમીન વેચી નાખી હતી. આ અંગે આણંદ શહેર પોલીસે સગા ભાઈ સહિત બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

લંડનમાં રહેતા સપનાબેન મોહનભાઈ પટેલની આણંદના ગામડી ગામની સીમમાં ત્રણ અલગ-અલગ સર્વે નંબરવાળી કુલ ૨૮ ગુંઠા વડીલોપાર્જિત જમીન આવેલી છે. વર્ષ ૧૯૯૨માં તેમના પિતાનું અવસાન થતાં પેઢીનામાના આધારે ફેરફાર કરી સપનાબેન, માતા ભાનુબેન, ભાઈ પ્રકાશભાઈ અને બે બહેનોના નામો દાખલ કર્યાં હતાં. 

સપનાબેન વર્ષ ૧૯૯૪માં લંડન રહેવા ગયાં હતાં. વર્ષ ૨૦૦૮માં તેણીના માતાનું અવસાન થયું હતું. આ જમીનમાં ગામડી ગામે રહેતા કુટુંબી ભાઈ હિતેશભાઈ અંબાલાલ પટેલે વારસાઈની ખરાઈપણાની નોંધ સામે વાંધા અરજી આપતા વર્ષ ૨૦૦૯માં મામલતદાર કચેરી, આણંદ તરફથી વડીલોપાર્જિત મિલકતમાં માલિક હોવા છતાં નામો કમી કરી દેવામાં આવ્યા હતા.  ત્યારે તેણીના સગાભાઈ પ્રકાશભાઈ મોહનભાઈ પટેલ (રહે. કેલનપુર, ડભોઈ રોડ, વડોદરા)એ સપનાબેન ભારતમાં હાજર ન હોવા છતાં નિકુલભાઈ છોટાભાઈ પટેલ (રહે. આણંદ) સાથે મળી ખોટી પાવર ઓફ એટર્ની તૈયાર કરાવી, જેમાં ખોટી સહીઓ કરી, જમીન વેચાણ દસ્તાવેજથી અરવિંદભાઈ ભીખાભાઈ પટેલ (રહે. કુંજરાવ)ને વેચાણ કરી દીધી હતી. 

સપનાબેને ભારત પરત આવતા જમીનના વેચાણના કાગળો કઢાવતા જમીન વેચાણ અંગેની જાણ થઈ હતી. જેથી તેણીની ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસે પ્રકાશ પટેલ અને નિકુલ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News