Get The App

૨.૨૫ લાખની લાંચના કેસમાં રિજિયોનલ ફાયર ઓફિસરની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી

ગોધરાની એક ડેરીની બિલ્ડિંગની ફાયર એનઓસી આપવા માટે લાંચ માંગી હતી

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
૨.૨૫ લાખની લાંચના કેસમાં   રિજિયોનલ ફાયર ઓફિસરની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી 1 - image

વડોદરા,ગોધરા ખાતે તૈયાર થયેલી પંચમહાલ ડેરીની એક બિલ્ડિંગમાં  ફાયર એનઓસી આપવા માટે વડોદરાની વુડા બિલ્ડિંગમાં આવેલી રિજિયોનલ ફાયર ઓફિસના ક્લાસ વન અધિકારી  લાંચ લેતા ઝડપાઇ ગયા હતાં. જે કેસમાં અદાલતે આરોપીની  જામીન અરજી નામંજૂર કરી છે.

ગોધરામાં પંચમહાલ ડેરીની બિલ્ડિંગનું ફાયર એનઓસી મેળવવા માટે ફાયર એનઓસીનું કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા વડોદરામાં વુડા સર્કલ પાસેની વુડા ઓફિસના ચોથા માળે કાર્યરત રિજિયોનલ ફાયર ઓફિસમાં અરજી કરવામાં આવી  હતી. આ અરજી બાદ તેની તપાસ ચાલતી હતી અને ફાયર એનઓસી લેવા માટે એનઓસીનું કામ કરતા કોન્ટ્રાક્ટર રિજિયોનલ ફાયર ઓફિસર નિલેશ ભીખાભાઇ પટેલ (રહે.સત્સંગવીલા, દેવસ્ય સ્કૂલ રોડ, વસ્ત્રાલ, ઓઢવ, અમદાવાદ)ને મળ્યા હતાં.

રિજિયોનલ ફાયર ઓફિસર નિલેશ પટેલે એનઓસી આપવા માટે રૃા.૨.૨૫ લાખની લાંચ માંગી  હતી. એ.સી.બી. ની ટીમે  વુડા બિલ્ડિંગના ચોથા માળે લાંચનુ છટકું ગોઠવી નિલેશ પટેલ તેમજ તેના એજન્ટ તરીકે કામ કરતા  અપૂર્વસિંહ રણજીતસિંહ મહિડા (રહે.માંગલેજ તા.કરજણ)ને  ઝડપી પાડયા હતા. નિલેશ પટેલે જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સરકારી વકીલ અનિલ દેસાઇ અને તપાસ અધિકારીની રજૂઆતો ધ્યાને લઇ સ્પેશ્યલ જજ આર.એચ.પ્રજાપતિએ આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે. અદાલતે નોંધ્યું હતું કે,  આરોપીએ સમાજ વિરૃદ્ધનો ગુનો કર્યો છે. આ પ્રકારના ગુનાની સમાજ પર વિપરીત અસર પડે છે. આરોપી સામે જે ગુનાઇત કૃત્યનો આરોપ છે. તે આર્થિક પ્રકારનો ગુનો ગણી શકાય અને આ પ્રકારના ગુનાથી દેશની અર્થ વ્યવસ્થા  પર વિપરીત અસર થાય છે. આ પ્રકારના ગુનાનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ગુનામાં આરોપીની પ્રથમદર્શનીય સંડોવણી છે.


Google NewsGoogle News