દંપતી નોકરી ગયું અને ઘરના તાળા તોડીને ૯૫ હજારની ચોરી
તિજોરીમાંથી ૭ તોલા વજનના દાગીના લઇ જતા ચોર
વડોદરા,નોકરી ગયેલા દંપતીના ઘરના તાળા તોડી ચોર ટોળકી ૯૫ હજારની કિંમતના સોનાના દાગીના ચોરી ગઇ હતી. જે અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મકરંદ દેસાઇ રોડ પરની અપેક્ષા પાર્ક સોસાયટીમાં રહેતા દેવેનભાઇ હસમુખભાઇ ડખાણી અને તેમના પત્ની ભાવનાબેન નોકરી કરે છે. ગત ૨૧ મી સપ્ટેમ્બરે સવારે ૧૧ વાગ્યે પતિ, પત્ની બંને નોકરી ગયા હતા. નોકરી પરથી રાતે સાડા આઠ વાગ્યે ઘરે આવ્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો અને તાળું જમીન પર પડેલું હતું. ઘરમાં જઇને તપાસ કરી તો ચોર ટોળકી તિજોરીમાંથી સોનાના ૭ તોલા વજનના સોનાના દાગીના ચોરી ગઇ હતી. માતાની તબિયત ખરાબ હોવાથી દેવેનભાઇ મુંબઇ ગયા હતા. ત્યાંથી પરત આવીને તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.