યુકેના સિનિયર સિટિઝનનું અલકાપુરીનું મકાન સંભાળતા દંપતીએ રૃ.21 લાખ ટ્રાન્સફર કરી લીધા
વડોદરાઃ શહેરની એક હોટલમાં રહેતા યુકેના સિનિયર સિટિઝનનું અલકાપુરીનું મકાન સંભાળતા દંપતીએ તેમની સહીવાળો રૃ.૨૧.૬૦ લાખનો ચેક પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લેતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
અલકાપુરીની કુંજ સોસાયટીમાં મકાન ધરાવતા પ્રફુલચંદ્ર પટેલે પોલીસને કહ્યું છે કે,હું વર્ષ-૧૯૯૧થી યુકે માં રહું છું અને વડોદરા આવતો હોઉં છું.અલકાપુરીનું મારું મકાન સાચવવા માટે ભરતસિંહ પ્રતાપસિંહ રાજ(દામણજા ગામ,કરજણ)ને રાખ્યો હતો.જે તેની પત્ની પારુલ સાથે મારા મકાનમાં રહેતો હતો.
દંપતીને વર્ષ-૨૦૧૨માં મેં કાર લઇ આપી હતી.જે કારની આવકમાંથી મારા મકાનનું મેન્ટેનન્સ અને લાઇટબિલનો ખર્ચ કરવાની શરત કરી હતી.વર્ષ-૨૦૨૨માં મેં ડોક્યુમેન્ટ વાળી ફાઇલમાં મારી સહી કરેલો ચેક મૂક્યો હતો.
સિનિયર સિટિઝને કહ્યું છે કે,જુલાઇ-૨૩માં હું વડોદરા આવ્યો હતો અને એક હોટલમાં રહું છું.ગઇ કાલે મેં મારા એકાઉન્ટન્ટને બેન્ક બેલેન્સ ચેક કરવા જણાવતાં મારા ખાતામાંથી તા.૨જી નવેમ્બરે રૃ.૨૧.૬૦ લાખનો ચેક ભરતસિંહ રાજના ખાતામાં ટ્રાન્સફર થયો હોવાની વિગતો જાણવા મળી હતી.મેં આવો કોઇ ચેક આપ્યો નહીં હોવાથી તપાસ કરતાં મારી ફાઇલમાં મૂકેલો સહીવાળો ચેક ગૂમ જણાયો હતો.જેથી દંપતીનો સંપર્ક કરતાં બંનેના મોબાઇલ સ્વીચ ઓફ આવી રહ્યા છે.સયાજીગંજ પોલીસે બંને પતિ-પત્ની સામે ગુનો નોંધ્યો છે.