સિનિયર સિટિઝન લેડી ડોક્ટરના મકાનનો બારોબાર વહીવટ કરી દંપતીએ ઠગાઇ કરી
વડોદરાઃ નિઝામપુરા વિસ્તારમાં મોદી ક્લિનિક ના નામે બે માળની મિલકત ધરાવતા સિનિયર સિટિઝન લેડી ડોક્ટર સાથે ભાડૂત દંપતીએ છેતરપિંડી કરતાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
ભાયલી વિસ્તારમાં એવરેસ્ટ ડિગ્નિટી વિભાગ-૧માં રહેતા ડો.માયાબેન મોદીએ પોલીસને કહ્યું છે કે,મારી નિઝામપુરા વિસ્તારમાં બડા બજાર ખાતે એક મોદી ક્લિનિક નામનું મકાન આવેલું છે.જેના પહેલા અને બીજા માળની પ્રોપર્ટી રૃ.૧.૦૮ કરોડમાં વેચવાની હોવાથી નજીકમાં પ્રોપર્ટી ધરાવતા આદિ કન્સલટન્સીના મિરાજ ધનવંતરાય શાહ(પરિમલપાર્ક,ડિલક્ષ ચાર રસ્તા પાસે, નિઝામપુરા)એ મારો સંપર્ક કર્યો હતો.
તેણે વર્ષ-૨૦૨૧માં મારી પાસે રૃ.૫૫ હજારના માસિક ભાડેથી પ્રોપર્ટી લીધી હતી.ત્રણ મહિના પછી ભાડું રૃ.૫ હજાર વધારવાની શરત હતી.પરંતુ મિરાજ અને તેની પત્ની દિશાએ મને રૃ.૨.૩૬ લાખ જેટલું ભાડું ચૂકવ્યું નથી.તેણે મકાનમાં ખર્ચ નહિં કર્યો હોવા છતાં મારી પાસે રૃ.૧.૭૭ લાખ પડાવ્યા હતા.જ્યારે મારી પ્રોપર્ટીનો બારોબાર ડો.ધારા પટેલ સાથે સોદો કરી બાનાખત પેટે રૃ.૫ લાખનો ચેક પણ લઇ લીધો હતો.
મહિલા ડોક્ટરે વધુમાં કહ્યું છે કે,મિરાજ શાહ અને દિના શાહે મારા મકાનના વેચાણ માટે ખરીદવાનો પહેલો હક તેમનો રહેશે અને રૃ.૧.૦૮ કરોડ થી વધુ રકમમાં વેચાશે તો વધારાની રકમના ૫૦ ટકા લઇ લેશે તેમજ બીજી ખોટી શરતોનો કરાર કર્યો હતો.જેથી ફતેગંજ પોલીસે દંપતી સામે ગુનો નોંધ્યો છે.