બાળકોના મોત માટે જવાબદાર કોર્પોરેશન ફરીયાદી બન્યું,કોન્ટ્રાક્ટના ભાગીદારોની માહિતી પણ નથી, મૃતકને આરોપી બનાવ્યો
સામાન્ય લારીવાળો પણ જાણે છે કે પરેશ શાહ તળાવ સંભાળે છે,ફરિયાદમાં નામ જ નથી
વડોદરાઃ બાળકોના મોતના બનાવની ફરિયાદ નોંધાવી પોતે આરોપી નહિં હોવાનું પુરવાર કરવાનો પ્રયાસ કરનાર વડોદરા કોર્પોરેશને નોંધાવેલી પોલીસ ફરિયાદ પણ મજાકરૃપ છે.જેને કારણે પોલીસની દોડધામ વધી ગઇ છે.
મળતી માહિતી મુજબ,હરણી તળાવમાં કોન્ટ્રાક્ટ આપનાર કોર્પોરેશનની જવાબદારી દેખરેખ રાખવાની હોય છે.પરંતુ કોર્પોરેશને કોન્ટ્રાક્ટ આપીને આંખ આડા કાન કર્યા હતા.જેને કારણે કોન્ટ્રાક્ટરોએ મનમાની ચલાવી બેદરકારીપૂર્વકનો વહીવટ કર્યો હતો અને તેનો ભોગ માસૂમ વિદ્યાર્થીઓ બન્યા હતા.
કોર્પોરેશને પોલીસ ફરિયાદ નોંધાવીને પોલીસની કામગીરી વધારી દીધી છે.કારણકે કોર્પોરેશન પાસે આરોપીઓને લગતી પૂરતી માહિતી જ નથી.જે માહિતી હતી તેમાં કેટલાકના સરનામા ખોટા છે.તો એક આરોપી મૃત્યુ પામેલ હોવા છતાં કોર્પોરેશને તેને આરોપી દર્શાવ્યો છે.જેને કારણે પોલીસની કવાયત વધી હતી અને આરોપીઓના નામો અને સરનામા વેરિફિકેશન કરવામાં ટીમો કામે લાગી હતી.
નોંધપાત્ર બાબત એ છે કે,ઉપરોક્ત વિસ્તારમાં નાની-મોટી વ્યક્તિ જાણે છે કે પરેશ શાહ તળાવ સંભાળે છે.એક અંધ લારી વાળાએ પણ કહ્યું હતું કે,આ બનાવ બન્યો ત્યારે મેં પરેશભાઇને ફોન કરીને જાણ કરી હતી.પરેંતુ કોર્પોરેશને નોંધાવેલી ફરિયાદમાં આ નામનો કોઇ ઉલ્લેખ જ નથી.
બોટના ફિટનેસ સર્ટિફિકેટની કોર્પોરેશન પાસે માહિતી નથી,પોલીસે સર્ટિ માંગ્યું
બોટના ફિટનેસ સર્ટિફિકેટ માટે કોર્પોરેશન પાસે માહિતી નહિં હોવાથી પોલીસે અધિકારીઓએ તાકીદે આ માહિતી રજૂ કરવા સૂચના આપી છે.
હરણી લેકઝોન ખાતે બનેલા બનાવમાં બાળકોને ડૂબાડનાર બોટ ક્ષતિગ્રસ્ત હોવાને કારણે તેમજ તેમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવ્યા હોવાની માહિતી ખૂલતાં આજે ડીસીપી પન્ના મોમાયા દ્વારા ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લેવામાં આવી હતી.ટીમે બોટની ક્ષતિઓની તપાસ કરી હતી.
તો બીજીતરફ પોલીસે બોટનું ફિટનેસ સર્ટિફિકેટ માંગ્યું છે.પરંતુ કોર્પોરેશન પાસે ફિટનેસ સર્ટિફિકેટ તૈયાર નથી.જેથી પોલીસે તાકિદે રજૂ કરવા સૂચના આપી છે.જો આ સર્ટિફિકેટ નહિં હોય તો તેનો મતલબ કોર્પોરેશનના અધિકારીઓ પણ સદંતર બેદરકાર રહ્યા હતા તે પૂરવાર થશે.