વડોદરાની મ્યુનિ.કોર્પોરેશન વિશ્વામિત્રી નદીમાં દબાણ મામલે સુપ્રીમકોર્ટના આદેશને ઘોળીને પી ગયું!

પરિયાવરણવિદે છેલ્લા 6 વર્ષમાં 24 વખત પત્ર લખીને મ્યુનિસિપલ કમિશનરને વિશ્વામિત્રી નદીને પુનઃ જીવીત કરવા રજૂઆતો કરી

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
વડોદરાની મ્યુનિ.કોર્પોરેશન વિશ્વામિત્રી નદીમાં દબાણ મામલે સુપ્રીમકોર્ટના આદેશને ઘોળીને પી ગયું! 1 - image


Gujarat Vadodara news | 'વડોદરામાં આવેલુ વિનાશક પૂર કુદરતી ઘટના નથી. છેલ્લા 30 વર્ષમાં વડોદરામાં સત્તાધીશોએ માત્ર રૃપિયા કમાવવા માટે વિશ્વામિત્રી નદીના પટ વિસ્તારો, નદીની કોતરો અને નદીને સંલગ્ન તળાવોનું અસ્તિત્વ મીટાવી તેના પણ દબાણો કર્યા અથવા તો થવા દીધા તેનું આ પરિણામ છે. આ મામલે છેલ્લા એક દાયકાથી વધુ અમે ચળવળ ચલાવી રહ્યા છે અને સુપ્રીમકોર્ટથી લઇને એનજીટીએ વિશ્વામિત્રી મામલે તબક્કાવાર આદેશો આપેલા છે પરંતુ તે આદેશોને પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધિશો ઘોળીને પી ગયા છે' તેમ પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિએ કહ્યું હતું.

'ડિસેમ્બર 2017 થી મે 2023 દરમિયાનના 6 વર્ષ સુધી અમે 24 વખત વડોદરા મ્યુનિસપલ કમિશનરને પત્ર લખીને વિશ્વામિત્રી નદી મામલે સુપ્રિમ કોર્ટ, એનજીટી, જીપીસીબી અને સ્ટેટ એન્વાયરોમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીએ આપેલા કડક અને સ્પષ્ટ આદેશોનું પાલન કરવા માટે યાદ કરાવ્યુ હતું. 6 વર્ષમાં 24 વખત યાદ કરાવ્યુ છતાં પણ વડોદરા મ્યુનિસપલ કોર્પોરેશને તેમાંથી એક પણ આદેશનું પાલન કર્યુ નથી અને ફરી એક વખત પૂરે વડોદરામાં વિનાશ કર્યો.

સુપ્રિમકોર્ટના આદેશોનું પણ ખુલ્લેઆમ ઉલ્લંઘન થતુ હોવા છતાં રાજ્ય સરકાર પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે ચુપ હોવાથી અમે પણ હતાશ થઇને રજૂઆત કરવાનું બંધ કરી દીધુ હતું. પરંતુ વડોદરા ફરી એક વખત પૂરનું ભોગ બન્યુ છે એટલે અમે ફરીથી વડોદરા મ્યુનિસિપલ કમિશનરથી લઇને ઉચ્ચ કક્ષા સુધી પત્રો લખીને સુપ્રિમકોર્ટ અને એનજીટીએ કઇ તારીકે ક્યા પ્રકારનો ઓર્ડર આપ્યો હતો તેના પુરાવા રજૂ કર્યા છે.' તેમ રોહિત પ્રજાપતિએ ઉમેર્યુ હતું.

વડોદરાના શાસકોએ નદી અને કોતરો વચ્ચેનો, કોતરો અને નદી વચ્ચેનો સંબંધ જ તોડી નાખ્યો છે

'નદી જ્યાંથી વહે છે તે વિસ્તાર જ માત્ર નદીનો ભાગ નથી. કોતરો, તળાવ અને પૂર આવે ત્યારે નદી જ્યાં સુધી ફેલાય તે તમામ વિસ્તાર નદીનો ભાગ જ ગણાય છે. એનજીટીએ આપેલા આદેશમાં આ બાબત સ્પષ્ટ કહેવામાં આવી છે' તેમ કહેતા રોહિત પ્રજાપતિ ઉમેરે છે કે 'વડોદરાના શાસકોએ નદી અને કોતરો વચ્ચેનો, કોતરો અને નદી વચ્ચેનો સંબંધ જ તોડી નાખ્યો છે.


વોટરશેડ અને ફ્લડ પ્લિન્થના સર્વે વગર 1200 કરોડ પાણીમાં વહી જશે 


વરસાદી કાંસ અને નદીનો કાંસ આ બન્ને અલગ અલગ છે. તે રીતે વરસાદી પાણીનો ભરાવો અને પૂર એ બન્ને પણ અલગ અલગ છે. વડોદરામાં વરસાદી પાણીનો પણ ભરાવો થાય છે અને પૂરના પાણી પણ ફરી વળે છે. મતલબ કે નદીના કોતરોની સાથે વરસાદી કોતરોનું અસ્તિત્વ પણ ખતમ કરી નાખ્યુ છે. સરકાર હવે કહે છે કે વિશ્વામિત્રી નદીનું પૂર વડોદરામાં આવતુ રોકવા માટે રૃ.૧૨૦૦ કરોડનો પ્રોજેક્ટ કરવામાં આવશે. અમારૃ માનવુ છે કે કોન્ટ્રાક્ટરો અને લાલચુ રાજકારણીઓની સિન્ડિકેટ આ ૧૨૦૦ કરોડનો પણ લાભ ઉઠાવી લેશે. નદીનું પૂર શહેરમાં આવતુ અટકાવવુ હોય તો વોટરશેડ (નદીનુ જળક્ષેત્ર), ફ્લડપ્લિન્થ (પૂર આવે ત્યારે ક્યા વિસ્તારમાં કેટલુ પાણી ભરાય છે) અને કન્ટુર મેપ (નદી, તળાવો, કોતરો અને પૂર વિસ્તારનો સમગ્ર સર્વે)નો અભ્યાસ નિષ્ણાંતો પાસે કરાવવો જોઇએ અને તે પછી જ પ્રોજેક્ટ અમલમાં મુકવો જોઇએ નહી તો કરોડો રૃપિયા પણ પૂરમાં વહી જશે. નદીને તેની જગ્યા પાછી આપી દો, નદી હેરાન નહી કરે.

બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને રાજકારણીઓએ જ નહી વિશ્વામિત્રી નદી અને કોતરો ઉપર સરકારે પણ દબાણ કર્યુ છે

રોહિત પ્રજાપતિ કહે છે કે 'વિશ્વામિત્રી નદીમાં જ નહી પરંતુ નદીને સંલગ્ન કોતરોમાં પણ દબાણો છે. કેટલાક સ્થળોએ કોતરો અને નદીમાં બાંધકામનો ઠોસ કચરો ઠલવીને પાણીનો કુદરતી માર્ગ અવરોધવામાં આવ્યો છે. એવુ નથી કે બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને રાજકારણીઓએ જ નદી, કોતરો અને તળાવો ઉપર દબાણ કર્યા છે. સરકાર પણ આ કૃત્યમાં સામેલ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટે વિશ્વામિત્રી નદીમાં છ સ્થળોએ અસ્થાયી અથવા તો કાયમી દબાણ કર્યુ છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેના કારણે પણ નદી અને કોતરનો માર્ગ અવરોધાયો છે. નવો બનેલો દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે તો ચેકડેમ જેવુ કામ કરી રહ્યો છે. એવુ નથી કે આ બધુ જોવા માટે મોટો પ્રોજેક્ટ હાથ ધરવો પડે. સેટેલાઇટ તસવીરો પરથી જ જાણી શકાય છે કે ક્યાં કેટલુ દબાણ છે. 


Google NewsGoogle News