નાસ્તાના દુકાનદારને હરણી લેકઝોનનો કોન્ટ્રાકટ આપી દીધો,ઠગાઇના આરોપી પણ ભાગીદાર બન્યો
વડોદરાઃ હરણી તળાવનો કોન્ટ્રાક્ટ નાસ્તાના દુકાનદારને આપી દેવાતાં ચર્ચાનો વિષય બન્યો છે.મુખ્ય કોન્ટ્રાક્ટર મે.કોટિયા પ્રોજેક્ટના મુખ્ય સંચાલકની નાસ્તાની દુકાને પોલીસે દરોડો પાડતાં તે ફરાર થઇ ગયો હોવાની માહિતી મળી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,હોડી દુર્ઘટનાના બનાવમાં હરણી તળાવનો કોન્ટ્રાક્ટ ધરાવનાર મે.કોટિયા પ્રોજેક્ટનો મુખ્ય સંચાલક બિનિત કોટિયાનું કોર્પોરેશને આપેલું સરનામું બોગસ હોવાનું જણાઇ આવ્યું હતું.બિનિતનું મકાન ત્રણ વર્ષ પહેલાં વેચાઇ ગયું હોવા છતાં કોર્પોરેશન પાસે તેનું નવું સરનામું નહતું.
સિટના અધિકારીઓએ તપાસ કરતાં બિનિત કોટિયા દિવાળીપુરા કોર્ટની સામે મનોરથ નામની નાસ્તાની દુકાન ધરાવતો હોવાની વિગતો જાણવા મળી હતી.જેથી પોલીસે ત્યાં દરોડો પાડતાં તે ફરાર થઇ ગયો હોવાનું જણાઇ આવ્યું હતું.
ભીમસિંગ સામે ઠગાઇના બે ગુના હોવા છતાં કોટિયા પ્રોજેક્ટનો ભાગીદાર બનાવ્યો
કોટિયા પ્રોજેક્ટના બે ભાગીદારો ગુનાઇત ભૂતકાળ ધરાવતા હોવા છતાં તેમનો હરણી લેકઝોનના વહીવટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામા અને ડીસીપી પન્ના મોમાયાના નેજા હેઠળની સિટની તપાસ દરમિયાન હરણી લેકઝોનના પકડાયેલા ભાગીદાર ભીમસિંગ કુડીયારામ યાદવ સામે વર્ષ-૨૦૦૬માં ગોરવા પોલીસ સ્ટેશન અને ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના બે ગુના નોંધાયા હોવાની વિગતો ખૂલી છે.
જ્યારે,અન્ય ભાગીદાર વેદપ્રકાસ રામપથ યાદવ સામે પણ વર્ષ-૨૦૧૫માં જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો હતો.આમ, છતાં બંનેને તળાવના વહીવટમાં લેવાયા હતા.