વડોદરા લોકસભાના કોંગી ઉમેદવાર જશપાલ સિંહનો મતવિસ્તાર છોટાઉદેપુર લોકસભામાં આવે છે

વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે બે મહિના પહેલાં જ રાજીનામું આપી દીધું હતું,ક્ષત્રિય મતો અંકે કરવા કોંગ્રેસનો પ્રયાસ

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
વડોદરા લોકસભાના કોંગી ઉમેદવાર જશપાલ સિંહનો મતવિસ્તાર છોટાઉદેપુર લોકસભામાં આવે છે 1 - image

વડોદરાઃ વડોદરા લોકસભાની બેઠક માટે કોંગ્રેસે વડોદરા જિલ્લાના પાદરાના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય આગેવાન જશપાલસિંહ પઢિયારનું નામ જાહેર કરતાં કાર્યકરોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે.

પાદરામાં કોંગ્રેસમાંથી બે વાર વિધાનસભાની ચૂંટણી લડેલા જશપાલસિંહ પઢિયાર એક વાર હાર્યા હતા.જ્યારે,વર્ષ-૨૦૧૭માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા.

ક્ષત્રિય બહુમતી વિસ્તાર ધરાવતા પાદરા તાલુકામાંથી ચૂંટાયેલા જશપાલસિંહે ફોર લેન રોડ તેમજ પાણીની યોજનાના અમલ માટે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની પણ ચીમકી આપી હતી.તેઓ શાંત અને સૌમ્ય પ્રતિભા ધરાવે છે.પરંતુ તેમનો મત વિસ્તાર વડોદરા લોકસભામાં આવતો નહિં હોવા છતાં તેમને વડોદરા લોકસભાની બેઠક માટે ઉમેદવાર જાહેર કરાયા છે.જેનો અર્થ કોંગ્રેસે ક્ષત્રિય મતો અંકે કરવા માટે પાસુ ફેંક્યું હોય તેમ મનાય છે.

નોંધપાત્ર બાબત એ છે કે,વડોદરા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી મળ્યા બાદ બે મહિના પહેલાં જ તેમણે એક કોંગી આગેવાને કરેલા આક્ષેપોને કારણે સોશ્યલ મીડિયા પર પ્રમુખ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેમને લોકસભા સુધી હોદ્દા પર ચાલુ રહેવા સમજાવતાં તેઓ માની ગયા હતા.

વર્ષ-2011માં કોંગ્રેસમાં પ્રવેશેલા યુવાન જશપાલસિંહ ત્રણ વાર વિધાનસભાની ચૂંટણી લડયા છે

વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર ૪૧ વર્ષની વયના છે તેમજ શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવે છે.

સ્નાતક થયેલા જશપાલસિંહ પઢિયાર ઠાકોર તરીકે પણ ઓળખાય છે.તેઓ તેમના ગામ એકલબારાની દૂધ મંડળીના પ્રમુખ છે.વર્ષ-૨૦૧૦માં અપક્ષ તરીકે તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા બાદ વર્ષ-૨૦૧૧માં યુવા કોંગ્રેસની ચૂંટણી લડી કોંગ્રેસમાં પ્રવેશ્યા હતા.

જશપાલસિંહને વર્ષ-૨૦૧૨માં પાદરા વિધાનસભાની ટિકિટ અપાઇ હતી.જેમાં ૩૨૦૦ મતે પરાજય થયો હતો.ત્યારબાદ વર્ષ-૨૦૧૭માં તેઓ ૧૯૨૦૦ મતની સરસાઇ સાથે ધારાસભ્ય બન્યા હતા.વર્ષ-૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીમાં ૫૨૦૦ મતે પરાજય થયો હતો.


Google NewsGoogle News