વાઘોડિયારોડના પૂજા એવન્યૂના ફ્લેટમાંથી કેમિકલ લીકેજ થતાં લોકો ગભરાયા,કોમ્પ્લેક્સ ખાલી કરાવ્યું
વડોદરાઃ વાઘોડિયારોડ વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાં આજે સાંજે કોઇ કેમિકલ લીકેજ થવાને કારણે આસપાસના રહીશો માથું ફાડી નાંખે તેવી દુર્ગંધથી ગભરાઇ ગયા હતા.ફાયર બ્રિગેડે સ્થિતિ સંભાળી પોલીસને જાણ કરી હતી.
પરિવાર ચારરસ્તા નજીક આવેલા પૂજા એવન્યૂના બીજા માળે ૨૧૦ નંબરના ફ્લેટમાં ભાડેથી રહેતા આકાશ ક્રિશ્ચનના ફ્લેટમાંથી સાંજે ધુમાડા નીકળવાની સાથે સાથે લોકોને ખાંસી,આંખોમાં બળતરા અને શ્વાસમાં તકલીફ થઇ હતી.
બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતાં તેમણે દરવાજો તોડયો હતો.આ વખતે ધુમાડાને કારણે ફાયરના જવાનોને પણ ખાંસી થવા માંડતા તેમણે બીએ સેટ પહેરી કેમિકલ લીકેજ બંધ કરવાની કામગીરી કરી હતી.તો બીજીતરફ પાણીગેટના સ્ટેશન ઓફિસર અમિત ચૌધરીએ ત્રણ માળના કોમ્પ્લેક્સના તમામ ફ્લેટ ખાલી કરાવ્યા હતા.
પ્રાથમિક તપાસ દરમિયાન આકાશભાઇ કેમિકલના કામકાજ સાથે સંકળાયેલા હોવાથી તેઓ મચ્છર માટે કોઇ કેમિકલનો ડબ્બો લાવ્યા હોવાની વિગતો ખૂલી હતા.રહેણાંક વિસ્તારમાં જોખમી કેમિકલ રાખી શકાય તેમ નહિં હોવાથી ફાયર બ્રિગેડે પાણીગેટ પોલીસને જાણ કરી હતી અને ફ્લેટનું વીજ કનેક્શન કાપ્યું હતું.