ચેક રિટર્નના કેસમાં હાજર નહી રહેતા અમદાવાદના કંપની માલિક ફરાર જાહેર

સીઆરપીસી - ૮૨ ના જાહેરનામાનું પાલન નહીં કરતા કંપની માલિક સામે કુલ છ ગુના દાખલ

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
ચેક રિટર્નના કેસમાં હાજર નહી રહેતા અમદાવાદના કંપની માલિક ફરાર જાહેર 1 - image

વડોદરા,અમદાવાદના કંપની માલિક ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર નહીં રહેતા કોર્ટે તેઓને ફરાર જાહેર કર્યા હતા. આરોપીએ સીઆરપીસી - ૮૨ મુજબના જાહેરનામાનું પાલન નહીં કરતા તેની સામે ગોત્રી  પોલીસ સ્ટેશનમાં કુલ છ ગુનાઓ દાખલ થયા છે.

જી.એ.સી.એલ.ના સિનિયર માર્કેટિંગ ઓફિસર વિનયમૂર્તિરાવ થોરાટે વડોદરાની કોર્ટમાં ડી.એ.પી. કેમિકલ કોર્પોરેશન, જી.આઇ.ડી.સી.વટવા, અમદાવાદના પ્રોપરાઇટર અરૃણ પટેલ ( રહે. શ્યામરથ ટાવર, કે.કે. નગર પાસે, ઘાટલોડિયા, અમદાવાદ તથા ગીતા દર્શન, ઘાટલોડિયા, અમદાવાદ)  વિરૃદ્ધ ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદના કામે અરૃણ પટેલ કોર્ટમાં હાજર રહેતા નહતા. જેથી,  કોર્ટે આરોપી સામે સીઆરપીસી - ૮૨ મુજબનું જાહેરનામુ બહાર પાડયું હતું. તે મુજબ આરોપીએ તા. ૩૧ - ૦૩ - ૨૦૨૩ ના રોજ કોર્ટમાં હાજર થવાનું હતું. જે જાહેરનામુ પ્રસિદ્ધ થયા પછી પણ આરોપી કોર્ટમાં હાજર રહેતા નહતા. જેના  પગલે કોર્ટે આરોપીને ફરાર જાહેર કર્યા હતા. આરોપીએ સીઆરપીસી - ૮૨ નું  પાલન નહીં કરતા આઇપીસી ૧૭૪ મુજબ ગુનો દાખલ કરવા કોર્ટે  હુકમ કરતા કોર્ટના રજિસ્ટાર દ્વારા અરૃણ અંબાલાલ  પટેલ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,  આરોપી અરૃણ પટેલ સામે કોર્ટમાં ચેક રિટર્નના છ કેસ દાખલ થયા હતા. તે કેસ સંદર્ભે  પોલીસે કુલ છ ગુના દાખલ કર્યા છે.


Google NewsGoogle News