સફાઈ સહિતના મુદ્દે તપાસ માટે કમિશનરને મેદાનમાં ઉતરવું પડયું

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
સફાઈ સહિતના મુદ્દે તપાસ માટે કમિશનરને મેદાનમાં ઉતરવું પડયું 1 - image


ગાંધીનગરમાં અખાદ્ય ચીજ વસ્તુઓના વધતા વેચાણ વચ્ચે

સરગાસણની ટીપી ૯ વિસ્તારમાં ઓચિંતી તપાસ કરતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો : અખાધ્ય પદાર્થોેનો પણ નાશ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અખાદ્ય ચીજ વસ્તુઓનું બેફામ પણે વેચાણ થઈ રહ્યું છે પરંતુ તેની તપાસ માટે ટીમો યોગ્ય રીતે કામ કરતી નથી ત્યારે સફાઈ સહિતના મુદ્દે તપાસ માટે આજે ખુદ મ્યુનિસિપલ કમિશનરને મેદાનમાં ઉતરવું પડયું હતું અને ટીપી ૯ વસાહતમાં દુકાનોમાં તપાસ કરી હતી. જે પૈકી એક દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો અને અખાદ્ય ચીજ વસ્તુ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા નવા અને જૂના વિસ્તારોમાં સફાઈ પાછળ મહિને કરોડો રૃપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ ઘણા સ્થળોએ યોગ્ય સફાઈ નહીં થતી હોવાની પણ ફરિયાદો ઉઠતી રહી છે. એટલું જ નહીં શહેરમાં પ્લાસ્ટિકના ઉપયોગ સામે પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેમ છતાં શોપિંગ સેન્ટરો સહિત ઘણા વિસ્તારોમાં વેપારીઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે શહેરના ખાણીપીણી બજારોમાં અખાદ્ય ચીજ વસ્તુઓનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે પરંતુ તેની તપાસ માટે મહાનગરપાલિકાનું કોઈ તંત્ર ધ્યાન આપતું નથી. કોર્પોરેશનની ફૂડ શાખા તો જાણે મૃતપ્રાય અવસ્થામાં હોય તેવો માહોલ જોવા મળે છે ત્યારે નવરાત્રી તહેવારને અનુલક્ષીને તેમજ આગામી તહેવારોને ધ્યાને રાખીને ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલાને જ ટીમ સાથે મેદાનમાં ઉતરવાની ફરજ પડી છે. આજે ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ એવા સરગાસાની ટીપી ૯ વિસ્તારમાં કમિશનર અને ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ સ્થળેથી જ્યા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર દુકાનદાર પાસેથી વહિવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ક્રિષ્ના ફાસ્ટફૂડ નામની દુકાન ચલાવતા દુકાનદાર પાસેથી રૃ. ૩૦૦૦નો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ સ્થળેથી ૫ કિલોગ્રામ જેટલો અખાધ્ય મંચુરિયન તથા ૩ કિલો ગ્રામ જેટલો નુડલ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ એક્સપાઇર થયેલા બટરના ત્રણ પેકેટનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આગામી દિવસમાં પણ આ પ્રકારની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા ચાલુ રાખવામાં આવશે.


Google NewsGoogle News