બોટ દુર્ઘટનાની તપાસ માટે વધુ એક વખત કલેક્ટરે મુદત માંગી
તપાસના કાગળો તેમજ વિવિધ પાસાઓના અભ્યાસ બાદ રિપોર્ટ સરકારને મોકલાશે
વડોદરા, તા.3 વડોદરામાં હરણી વિસ્તારના તળાવમાં સર્જાયેલી કરૃણાંતિકાની મેજિસ્ટ્રેટ તપાસ કરી રહેલાં જિલ્લા કલેક્ટરે તપાસની મુદત પૂરી થયા બાદ રિપોર્ટ સબમિટ કરવા માટે ફરી એક વખત મુદત સરકાર સમક્ષ માંગી છે.
તા.૧૮ની બપોરે હરણી વિસ્તારના તળાવમાં બોટ ડૂબી જતાં શહેરની વાઘોડિયારોડ વિસ્તારની શાળાના ૧૨ વિદ્યાર્થીઓ સહિત કુલ ૧૪ વ્યક્તિના કરૃણ મોત નિપજ્યાં હતાં. આ ઘટનાની સરકારે ગંભીર નોંધ લીધી હતી અને મેજિસ્ટ્રેટ તપાસનો હુકમ કરી ૧૦ દિવસમાં રિપોર્ટ સરકારમાં મોકલવા જણાવ્યું હતું. તપાસના આદેશ સાથે જ કલેક્ટરે ઘટના સંબંધિત દસ્તાવેજો મંગાવી તપાસ શરૃ કરી હતી.
મેજિસ્ટ્રેટ તપાસની ૧૦ દિવસની મુદત પૂર્ણ થયા બાદજિલ્લા કલેક્ટર દ્વારા સરકાર પાસે રિપોર્ટ સબમિટ કરવા માટે વધુ પાંચ દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન કલેક્ટરની બદલીનો હુકમ થઇ ગયો હતો જો કે કલેક્ટરે હજી સુધી ચાર્જ છોડયો નથી અને રિપોર્ટ માટે સંપૂર્ણ વિગતો મળ્યા બાદ અને આવી ઘટના બનતી અટકાવવા માટે શું પગલાં લઇ શકાય તે માટે રિપોર્ટ તૈયાર કરવામાં હજી વિલંબ થાય તેમ લાગતાં કલેક્ટરે સરકાર સમક્ષ વધુ ચાર દિવસનો સમય માંગ્યો છે.