ભાજપના ઉમેદવાર વિરૃદ્ધ લાગેલા પોસ્ટરમાં શહેર કોંગ્રેસ પ્રમુખ મુખ્ય સૂત્રધાર
પોલીસે કોર્ટની મંજૂરી લઇ કોંગ્રેસ પ્રમુખને નોટિસ પાઠવી ચાર કલાક સુધી પૂછપરછ હાથ ધરી
વડોદરા,ભાજપના લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવારને નિશાન બનાવી હરણી રોડ પર તથા અન્ય સ્થળે પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હતા. આ કેસમાં પકડાયેલા યુવકોએ પોલીસને જણાવ્યું હતું કે, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીના કહેવાથી પોસ્ટર ચોંટાડયા હતા. જેથી, પોલીસે આજે ચાર કલાક સુધી ઋત્વિજ જોશીની પૂછપરછ કરી હતી.
સંગમ ચાર રસ્તાથી હરણી વારસિયા રીંગ રોડ તરફ જતા રસ્તા પર આવતી ઝવેર નગર સોસાયટી, ગાંધી પાર્ક સોસાયટી, લલ્લુભાઇ પાર્ક સોસાયટી, વિસ્તારમાં કેટલાક બેનરો લગાડવામાં આવ્યા હતા. જે બેનરોમાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરૃદ્ધ પ્રચાર કરતા લખાણ હતા. બેનર પર લખ્યું હતું કે, મોદી તુજસે વેર નહીં રંજન તેરી ખેર નહીં. પોલીસને પણ આ બેનરોની જાણ થતા સ્થળ પર દોડી ગઇ હતી. પરંતુ, પોલીસ પહોંચે તે પહેલા જ કોઇએ આ બેનરો ઉતારી લીધા હતા. પરંતુ, આ સ્થળના વાયરલ થયેલા વીડિયો તથા મળેલા ફૂટેજના આધારે તપાસ પોલીસે શરૃ કરી હતી. પોલીસે આ અંગે ધમકી, લોક પ્રતિનિધિત્વ, ૧૯૫૦, ૧૯૫૧, ૧૯૮૯ ની કલમ ૧૨૭ (૧) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
વારસિયા પોલીસે આ ગુનામાં (૧) હરિશ ઉર્ફે હરિ છગનભાઇ ઓડ ( રહે. દુર્વા હાઇટ્સ, ડી - માર્ટની બાજુમાં ખોડિયાર નગર ચાર રસ્તા પાસે) (૨) ધ્રુવિત ભૂપેન્દ્રભાઇ વસાવા (રહે. યોગજીવન સોસાયટી, વૃંદાવન ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ) તથા (૩) ફાલ્ગુન મનહરભાઇ સોરઠીયા (રહે. શિવાકૃતિ ટેનામેન્ટ, દંતેશ્વર) ને ઝડપી પાડયા હતા. આ કેસમાં વધુ તપાસ માટે કોર્ટની પરમિશનની જરૃર હોવાથી વારસિયા પોલીસે કોર્ટમાં અરજી કરી મંજૂરી મેળવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ પોસ્ટર કાંડ પાછળ કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ દિલીપભાઇ જોશીનું નામ ખૂલ્યું હતું. જેથી, વારસિયા પોલીસે ઋત્વિજને નોટિસ પાઠવી નિવેદન આપવા માટે હાજર રહેવાનું જણાવ્યું હતું. આજે સવારે ૧૧ વાગ્યે ઋત્વિજ જોશી કોંગ્રેસના કાર્યકરો સાથે વારસિયા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. સવારે ૧૧ વાગ્યાથી શરૃ થયેલી પૂછપરછ બપોરના ત્રણ વાગ્યા સુધી ચાલી હતી. પરંતુ, તેમાં ઋત્વિજે કોઇ ફળદાયક હકીકત નહીં જણાવતા પોલીસે તેને ફરીથી હાજર રહેવા માટે જણાવી જવા ે દીધા હતા. અટલાદરા પોલીસની તપાસમાં પોસ્ટર કાંડનો મુખ્ય સૂત્રધાર ઋત્વિજ જોશી હોવાનું બહાર આવ્યું છે.
કોંગ્રેસ પ્રમુખનું એક જ રટણ, હું કશું જાણતો નથી, મને ખબર નથી
અગાઉ પકડેલા આરોપીને પ્રમુખ સામે પોલીસે પૂછતા તેઓ અવઢવમાં મૂકાઇ ગયા
વડોદરા,વારસિયા પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે બોલવવામાં આવેલા કોંગ્રેસ પ્રમુખે આ મામલામાં પોતાની સંડોવણી હોવાનો ઇનકાર કર્યો હતો. પોસ્ટર ક્યાં બનાવ્યા ? કેટલા બનાવ્યા ? અન્ય પોસ્ટરો કોઇ સ્થળે સંતાડયા છે કે કેમ ?બીજા કોની સંડોવણી છે ? તે તમામ પ્રશ્નોના જવાબમાં તેને એક જ વાત કહી હતી કે, હું કશું જાણતો નથી. પોલીસે ત્યારબાદ અગાઉ પકડાયેલા આરોપીને તેમની સમક્ષ હાજર રાખી પૂછપરછ કરતા તેઓ અવઢવમાં મૂકાઇ ગયા હતા. અમે પછી જવાબ લખાવીશ. તેવું કહીને નિવેદન અધુરૃં રાખીને તેઓ પોલીસ સ્ટેશનથી નીકળી ગયા હતા. જેથી, પોલીસે તેઓને નિવેદન માટે ફરીથી બોલાવ્યા છે
કોંગ્રેસ પ્રમુખે વિરોધ વ્યક્ત કરતા પોસ્ટર ચોંટાડવા કહ્યું હતું
સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે પુરાવા એકત્રિત કરવા પોલીસની મથામણ
વડોદરા,અગાઉ પકડાયેલા આરોપીઓએ પોલીસ સમક્ષ એવી સ્પષ્ટ કબૂલાત કરી હતી કે, કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ ફોન કરીને કહ્યું હતું કે, એક મકાનના કંપાઉન્ડમાં પોસ્ટર પડયા છે. આપણે વિરોધ કરવાનો છે. જેથી, તેઓ ત્યાં જઇને પોસ્ટર લઇ આવ્યા હતા. પરંતુ, વિરોધ કઇ બાબતનો અને કોનો કરવાનો છે. તેની સ્પષ્ટતા કરી નહતી.
પોલીસે હવે સીસીટીવી ફૂટેજ તેમજ કોલ ડિટેલ્સના આધારે પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે. એકાદ દિવસમાં અમે પૂરતા પુરાવાઓ મેળવી લઇશું. તેવું પોલીસે જણાવ્યું છે.
.
પોસ્ટર છપાવવા માટે આર્થિક મદદ કરનારની તપાસ
વડોદરા,આ કેસમાં અગાઉ પકડાયેલા ત્રણેય યુવકોની હજી સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી નથી. તેઓની વારાફરતી પૂછપરછ કરવામાં આવી રહી છે. એક મકાનના કંપાઉન્ડમાંથી પોસ્ટર લાવવામાં આવ્યા છે. પરંતુ, તે મકાન ક્યાં છે ? તે હાલ મને યાદ નથી. તેવું કહીને હરિશ પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. આ પોસ્ટર ચોંટાડવા માટે તેઓને કોઇ આર્થિક લાભ મળ્યો હતો કે કેમ ? તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. પોસ્ટર છપાવવા માટે કોણે આર્થિક મદદ કરી તે દિશામાં પણ પોલીસ તપાસ ચાલુ છે.
અટલાદરા પોલીસે પણ ઋત્વિજને હાજર રહેવા નોટિસ મોકલી
ઋત્વિજ જ મુખ્ય સૂત્રધાર :અગાઉ પકડાયેલા ત્રણની પૂછપરછમાં વિગતો બહાર આવી
વડોદરા,અટલાદરા જતા રોડ પર ખિસકોલી સર્કલની રેલિંગ પર આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત કેટલાક વ્યક્તિઓએ બેનર લગાવ્યા હતા કે, સીએ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં કોઇ રસ નથી ? જેથી, અટલાદરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી (૧) રાકેશ જગદીશભાઇ ઠાકોર ( રહે. તલસટ ગામ, શ્રીજી ફળિયું, તા.વડોદરા) (૨) હર્ષદભાઇ અરવિંદભાઇ સોલંકી ( રહે. કપુરીબા વિલા, વેલકેર હોસ્પિટલની સામે, અટલાદરા) તથા (૩) નિતીન રયજીભાઇ પઢિયાર ( રહે. મારૃતિ નંદન સોસાયટી, અટલાદરા) ને ઝડપી પાડયા હતા. તેઓની પૂછપરછ કરી તપાસ આગળ વધારવા માટે અટલાદરા પોલીસે કોર્ટમાં અરજી કરી પરમિશન મેળવીને પૂછપરછ કરતા મુખ્ય પોસ્ટર કાંડના મુખ્ય સૂત્રધાર તરીકે ઋત્વિજ જોશી ( રહે. સાંઇ આશિષ સોસાયટી, વારસિયા રીગ રોડ) નું નામ ખૂલ્યું છે. જેથી, અટલાદરા પોલીસે ઋત્વિજને નોટિસ પાઠવી પોલીસ સ્ટેશન હાજર રહેવા માટે જણાવ્યું છે.