વડોદરાના કમાટીબાગમાં વર્ષોથી બાળ સ્નાનાગાર બંધ હાલતમાં
- આ સ્નાનાગાર 1974 માં બનાવેલો છે
- તંત્રની બેદરકારીને કારણે સ્નાનાગારમાં હાલ કચરો ભરાયેલો છે
- બાળક સ્વિમિંગ શીખતું થાય તે માટે જલ્દી બાળ સ્નાનાગાર ચાલુ કરવા માંગણી
વડોદરા,તા.19 માર્ચ 2024,મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિની બાજુમાં 1974માં બનેલો બાળ સ્નાનગાર વર્ષોથી બંધ હાલતમાં છે, અને હાલ તે કચરાથી ભરાયેલો છે. કોર્પોરેશન તંત્રની બેદરકારીને લીધે આ સ્નાનાગારને ચાલુ કરવા વર્ષોથી કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. હજુ તાજેતરમાં વડોદરામાં હરણી બોટ દુર્ઘટના કાંડ થયો હતો. જેમાં 12 નિર્દોષ બાળકોનો ભોગ લેવાયો હતો. આ દુર્ઘટના પછી શિક્ષણ સમિતિએ પણ બાળકોને તરણ આવડે તે માટે તાલીમ આપવા વિચાર મૂક્યો હતો અને એ માટેનું આયોજન પણ વિચારાયું છે.
વડોદરા કોર્પોરેશનના વર્ષ 2024-25 ના બજેટને મંજૂર કરતી વખતે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા પણ જે દરખાસ્ત મુકાઈ હતી, તેમાં એક દરખાસ્ત એવી હતી કે વડોદરા શહેરના દરેક વોર્ડમાં એક નાની સાઈઝનો સ્વિમિંગ પૂલ બનાવવામાં આવે, જ્યાં બાળકોને સ્વિમિંગ શીખવવા માટેની વ્યવસ્થા હોય અને આના માટે બજેટમાં ત્રણ કરોડની જોગવાઈ કરવા સૂચવ્યું હતું. કોર્પોરેશન એક બાજુ નવા સ્વિમિંગ પૂલ નું આયોજન કરે છે, જ્યારે 1974 માં બનેલો બાળ સ્નાનાગાર તંત્રની નિષ્કાળજીના કારણે કચરાથી ભરાયેલો હાલ પડી રહ્યો છે. એક સામાજિક કાર્યકરના કહેવા અનુસાર કોર્પોરેશન શહેરના બીજા મોટા સ્વિમિંગ પૂલનું મેન્ટેનન્સ કરતું હોય તો પછી નાના બાળકોને સ્વિમિંગ શીખવી શકાય તે માટે આ સ્નાનાગારને ચાલુ કરવામાં શો વાંધો હોઈ શકે તેવો સવાલ ઉઠાવ્યો છે. બાળક નાનપણથી જો સ્વિમિંગ શીખે તો હરણી બોટકાંડ જેવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો સ્વિમિંગ કરીને પોતાનો અને બીજાનો પણ જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકે એમ તેમણે કહ્યું હતું. હાલ આ સ્વિમિંગ પુલમાં ભરેલો કચરો જલ્દી સાફ કરી અને વેળાસર ચાલુ થાય તેવા પ્રયાસ કરવા તેમણે માગ કરી છે.