મહીસાગર નદી બે કાંઠે વહેતી થતાં ચેકડેમ અને કોટના બીચ ડૂબી ગયા
મહી નદીને નિહાળવા લોકો ઉમટી પડયા ઃ વડોદરા નજીક સિંઘરોટમાં નદીની સપાટી ૧૨.૬૦ મીટર નોંધાઇ
વડોદરા, તા.24 નર્મદા નદીની સાથે હવે લોકમાતા મહીસાગર પણ પૂર આવ્યું છે ત્યારે વડોદરા જિલ્લામાં સાવલી, પાદરા અને વડોદરા તાલુકામાં મહી નદી બે કાંઠા પર વહી રહી છે. કાંઠાના તમામ ગામોમાં વસતા લોકોને સાવધ કરવામાં આવ્યા છે.
મહી નદીના કાંઠે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ૧૫, પાદરા તાલુકાના ૧૦ અને વડોદરા તાલુકાના ૫ મળીને કુલ ૩૦ ગામો આવેલા છે. મહીસાગર નદી પર આવેલા કડાણા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ અને મહી બજાજ સાગર બંધ તેમજ અનાસ નદીમાંથી બંધમાં પાણીની આવક થતા બંધમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
કડાણા ડેમમાંથી નદીમાં ૪ લાખ ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતા વડોદરા જિલ્લામાં મહી નદી વરસાદી ઋતુમાં પ્રથમ વખત બે કાંઠે વહેતી થઇ હતી. વડોદરા નજીક પ્રવાસીઓ માટે આકર્ષણ સમો કોટણા બીચ પર નદીના પાણી ફરી વળ્યા હતા જ્યારે સિંઘરોટ પાસેનો ચેકડેમ પણ ડૂબી ગયો હતો. સિંઘરોટ પાસે મહી નદીની સપાટી ૧૨.૬૦ મીટર નોંધાઇ હતી જ્યારે ભયજનક સપાટી ૧૪ મીટર છે. મહી નદી બે કાંઠે વહેતી થતાં લોકો મહીના દર્શન માટે ઉમટી પડયા હતાં.