કોર્પોરેશનમાં સમિતિઓના ચેરમેનોની ચેમ્બરના હજુ પણ ઠેકાણા પડતા નથી
ચોથા માળે જ તમામને ઓફિસ મળે તેવા આગ્રહને કારણે
પ્રથમ માળે શરૃ કરવામાં આવેલું કામ પણ અટકી ગયું : નવી જગ્યા શોધવા માટે તંત્રની મથામણ
ગાંધીનગર મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા મહિનાઓથી સમિતિઓની
નિમણુકના મુદ્દે રીતસરના બે જૂથ પડી ગયા હતા અને ગત સામાન્ય સભા પહેલા સંકલનની
બેઠકમાં બધું સમૂસુતરૃ પાર પડી ગયું હતું અને સામાન્ય સભામાં આ ૧૦ સમિતિઓના ચેરમેન
અને હોદ્દેદારોની વરણી કરીને નિમણૂક આપી દેવામાં આવી હતી ત્યારે હવે સમિતિઓના
ચેરમેન માટે ચેમ્બર ઊભી કરવાનો નવો પ્રશ્ન ઉભો થયો છે. કોર્પોરેશનમાં પ્રથમ અને બીજા
માળે વિવિધ વિભાગની કચેરીઓ આવેલી છે જ્યારે ત્રીજા માળે અધિકારીઓ બેસે છે અને ચોથા
મળે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ચેમ્બર રાખવામાં આવી છે ત્યારે સમિતિઓના ચેરમેન
દ્વારા ચોથા માળે જ તેમને ચેમ્બર મળે તે માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે પરંતુ
અહીં નવી ચાર જેટલી જ ચેમ્બર ઊભી થઈ શકે છે. જ્યારે બાકીની છ ચેમ્બર પ્રથમ અથવા તો
બીજા માળે ઊભી કરવા માટેની કવાયત પણ શરૃ કરી દેવામાં આવી હતી પરંતુ કેટલીક
સમિતિઓના ચેરમેન દ્વારા ચોથા માળે જ જગ્યા મળે તે માટે જીદ કરવામાં આવી હતી અને
તેના કારણે શરૃ કરાયેલું આ કામ પણ અટકી ગયું છે. હાલ શ્રાદ્ધ પક્ષ હોવાથી સમિતિઓના
ચેરમેન નવરાત્રિના પ્રથમ દિવસે ચેમ્બરમાં ઓફિસનું કામકાજ શરૃ કરે તે માટે પ્રયાસ
કરવામાં આવી રહ્યા છે પરંતુ હજી ચેમ્બરોના જ ઠેકાણા પડયા નથી ત્યારે તેમના માટે
નવી જગ્યાની પણ શોધ કરવામાં આવી રહી હોય તેમ જાણવા મળી રહ્યું છે.