સયાજીગંજમાં બોગસ કંપની ઉભી કરી 1800 લોકોને ઠગનાર કંપનીનો ચેરમેન 23 વર્ષે પકડાયો
વડોદરાઃ સયાજીગંજ વિસ્તારમાં ઓફિસ ખોલી લોભામણી સ્કીમો મુકીને લાખોરૃપિયાની ઠગાઇ કરવાના ગુનામાં વોન્ટેડ ઉભી કરેલી કંપનીના ચેરમેનને ક્રાઇમ બ્રાન્ચે ૨૩ વર્ષ બાદ ઝડપી પાડયો છે.
સયાજીગંજના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં વર્ષ-૨૦૦૦માં રોબિન્સન ઇન્પેક્સ ઇન્ડિયા લિ. નામની કંપનીના નામે લોકોને કોલ કરીને લકી નંબર તરીકે પસંદગી થઇ હોવાનું કહી ડેપો પાસેની હોટલમાં બોલાવવામાં આવતા હતા અને મેડિક્લેમ તેમજ જુદીજુદી વસ્તુઓ પર ફાયદાની સ્કીમોમાં ફસાવી રોકડ અને ચેકથી રકમ પડાવી લેવામાં આવી હતી.
ઉપરોક્ત બનાવમાં કંપનીના ચેરમેન ઓમપ્રકાશ પંજાબીએ ૧૮૦૦ જેટલા લોકો પાસે લાખો રૃપિયા પડાવીને ઉઠમણું કર્યું હોવાની વિગતો ખૂલી હતી.જેથી વર્ષ-૨૦૦૧માં તેની સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
પોલીસના કહ્યા મુજબ,ઉપરોક્ત બનાવમાં અમદાવાદ મેમનગર રોડ ખાતે ક્રિષ્ણા કોલોનીમાં રહેતા આરોપીને પકડવા માટે વારંવાર પોલીસની ટીમો જતી હતી.પરંતુ તેનો પત્તો લાગતો નહતો.આખરે તે હાલમાં જ્યાં રહેતો હતો તેની માહિતી મળતાં પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એનજી જાડેજા અને ટીમે વોચ રાખી ઓમપ્રકાશ કાશ્મીરી લાલ પંજાબી(બાગેશ્વરી ટાવર,સેટેલાઇટ, અમદાવાદ)ને ઝડપી પાડયો છે.