૫૦ કરોડના વેપલાના આક્ષેપ સાથેની અરજી CBIએ ચાર્જશીટમાં મૂકી
નીટની પરીક્ષામાં ચોરીથી પાસ કરાવી દેવાનો વર્ષનો ૫૦ કરોડનો વેપલો
પાંચ કોરા ચેક મળીને કુલ ૧૮ ચેક દસ્તાવેજ તરીકે કોર્ટમાં ચાર્જશીટ સાથે જમા કરાવ્યા
ગોધરા,ગોધરા અને થર્મલ ખાતે જય જલારામ સ્કૂલમાં નીટ પરીક્ષા કૌભાંડમાં સીબીઆઇએ રજૂ કરેલી ચાર્જશીટમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં કૌભાંડીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી નીટની પરીક્ષામાં પૈસા લઇને પરીક્ષાર્થીઓને પાસ કરાવવાનું કૌભાંડ આચર્યું હોવાનું જણાયું છે. દર વર્ષે પરીક્ષા દરમ્યાન ૫૦ કરોડ નીટમાં ચોરી કરાવવાનો વેપલો કરતા હોવાના આક્ષેપ સાથે આવેલ અરજીઓ પણ સીબીઆઇએ ચાર્જશીટમાં રજૂ કરી છે.
સીબીઆઇની તપાસ દરમ્યાન રાજય બહારના ૧૬ પરીક્ષાર્થીઓના અમદાવાદ, ગોધરા અને વડોદરાના ખોટા સરનામાં બતાવ્યા હતા. આ સરનામા પર નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ ખોટા સરનામાં હોવાથી નોટિસો પણ પરત આવી હતી. જેના પૂરાવા કોર્ટ સમક્ષ રજુ કર્યા છે. સીબીઆઇએ પાંચ કોરા ચેક મળીને કુલ ૧૮ ચેક ડોકયુમેન્ટ તરીકે કોર્ટમાં ચાર્જશીટ સાથે જમા કરાવ્યા છે. જિલ્લા કલેકટર પાસે અગાઉના વર્ષની નીટ પરીક્ષાની તપાસ કરવા માટે લેખિત રજૂઆત આવી હતી, તે પત્ર પણ સીબીઆઇને આપ્યો છે.
જય જલારામ સ્કૂલમાં નીટ પરીક્ષાર્થીઓને મેરિટમા પાસ કરાવા પરશુરામ રોય અને આનંદ વિભારે લાખો રૃપિયા વાલીઓ પાસેથી લીધા હતા, તેવા આક્ષેપો થઇ રહ્યા છે. આનંદ વિભોર રાજય બહારના પરીક્ષાર્થીઓને શોધી પરીક્ષામાં સારા માર્ક સાથે રેન્ક અપાવવાની બાયધરી આપતો હતો. આનંદ વિભોર રાજય બહારના ૧૬ પરીક્ષાર્થીઓને લાવ્યો હતો. જેમા ંબિહારના ૩, મહારાષ્ટ્રના ૪, ઓડિશાના ૫, રાજસ્થાનના ૩ અને ઉત્તર પ્રદેશના ૧નો સમાવેશ થાય છે. જેઓને ગોધરા અને થર્મલનું જય જલારામ સ્કૂલનું કેન્દ્ર પસંદ કરાવ્યું હતું.
સેંકડો કિમી દૂર રહેતા પરપ્રાંતિય વિદ્યાર્થીઓના સરનામાં ગોધરા, વડોદરા, અમદાવાદ, મોડાસાના બતાવીને ફોર્મ ભર્યા હતા. જયારે આરીફ વોરાએ ગોધરાના ૬ પરીક્ષાર્થીઓ અને રાજયના અન્ય જિલ્લાના ૮ પિરાક્ષાર્થી મળીને કુલ ૩૦ પરીક્ષાર્થીઓને પાસ કરાવવા કાવતરું રચ્યું હતું. પરીક્ષા પૂર્વે જ તંત્રે આ આખુંય કૌભાંડ ઝડપી પાડતા ચોરી કરાવી પાસ કરાવવાની યોજના સફળ થઇ નહતી.