આજવા રોડની લૂંટમાં વપરાયેલી કાર હાઇવે પરથી મળી આવી
ગણતરીની મિનિટોમાં લૂંટ થઇ હોવાથી જાણભેદૂ સામેલ હોવાની શક્યતા
સ્કૂલના પટાવાળાની કાર ચોરાયાની ફરિયાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી
વડોદરા, આજવા રોડ પર નવજીવન સોસાયટીમાં પરિવારને બાનમાં લઈ લૂંટ કરનાર આરોપીઓએ ચોરીની કાર ગુનામાં વાપરી હતી. જે અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશન કાર માલિકે ફરિયાદ નોંધાવી છે. આ ગુનાની તપાસમાં બાપોદ ઉપરાંત ક્રાઇમ બ્રાંચ દ્વારા પણ તપાસ શરૃ કરવામાં આવી હતી. લૂંટના ગુનામાં વપરાયેલી કાર પોલીસે કબજે કરી છે.
આજવા રોડ પર મોડી રાત્રે ત્રણ વાગ્યે ત્રાટકેલા લૂંટારાઓએ લૂંટ કરતા અગાઉ એક કલાક વિસ્તારમાં ઇકો કારમાં આટા ફેરા માર્યા હતા. જે કાર સીસીટીવી કેમેરામાં દેખાઈ હતી. પોલીસે કારના નંબરના આધારે તપાસ કરતા આ કાર કારેલીબાગ લાલબહાદુર વિદ્યાલયના પટાવાળાની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી, પોલીસે પટાવાળા મહેશભાઈ નાનજીભાઈ ભીલના ઘરે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે , ગઈકાલે રાત્રે સાડા આઠ વાગ્યે તેઓ કાર લઇને દીકરીને નોકરી પર લેવા ગયા હતા. દીકરીની સાથે ઘરે આવ્યા પછી સુંદરવન સોસાયટીમાં તેમના ઘરના બહારના ભાગે કાર પાર્ક કરીને સૂઈ ગયા હતા. સવારે ૭ વાગ્યે ઊઠયા ત્યારે તેમની કાર ગૂમ હતી. આજુબાજુ તપાસ કરતા કાર મળી આવી નહતી. જે અંગે તેમણે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસ દ્વારા ગુનાવાળા સ્થળથી શરૃ કરીને સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા આરોપીઓ કાર લઇને કિશનવાડી થઇને હાઇવે આજવા ચોકડી જગદીશ ફરસાણ સુધી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પોલીસને તેનાથી આગળના સીસીટીવી મળ્યા નથી. દરમિયાન પોલીસે આ કાર હાઇવે પરથી કબજે કરી છે. કારમાં લૂંટારાઓના ફિંગર પ્રિન્ટ હોવાની શક્યતાના આધારે પોલીસે ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને એફ.એસ.એલ.ની મદદ લઇ તપાસ હાથ ધરી છે.
મકાન માલિકના ઘરે સોના ચાંદીના દાગીના અને રોકડા અઢી લાખ હતા. લૂંટારાઓ સીધા બેડરૃમમાં ઘુસ્યા હતા. જ્યાં દાગીના અને ચાંદી સંતાડી હતી. ત્યાંથી લૂંટી લીધી હતી. ગુનાને અંજામ આપ્યા પછી ગણતરીની મિનિટોમાં લૂંટારૃં ટોળકી ભાગી ગઇ હતી. જેના કારણે આ ગુનામાં કોઇ જાણભેદૂ સામેલ હોવાની પણ શક્યતા પોલીસ સેવી રહી છે. પોલીસે તે દિશામાં પણ તપાસ શરૃ કરી છે.