કાર નજીક બેઠેલા નાની અને પૌત્રી નહીં દેખાતા કાર ચાલકે કચડી નાંખ્યા
પાંચ વર્ષની દીકરીને માતાના ખોળામાં મૂકી મહિલા પાણી લેવા ગઇ અને કાળ બંનેને ભરખી ગયો
વડોદરા, સમા કેનાલ રોડ પર પાર્ક કરેલી કારની નજીક બેસેલા નાની અને પૌત્રી પર કાર ચાલકે ગાડી ચઢાવી દેતા બંનેના મોત નિપજ્યા છે. સમા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર ચાલકની સામે કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે રહેતા લક્ષ્મીબેન શૈલેષભાઇ દરબાર હાલમાં સમા કેનાલ રોડ ધરતી ટેનામેન્ટની સામે ખુલ્લા મેદાનમાં રહે છે. આજે સવારે તેઓ છ મહિનાના દીકરા, પાંચ વર્ષની દીકરી તથા માતા મંજુબેન સાથે વેમાલી ગામની આજુબાજુના વિસ્તારમાં કચરો વીણવા માટે ગયા હતા. સાંજે સાડા છ વાગ્યે તેઓ ચાલતા ચાલતા સમા કેનાલ રોડ ઓનેસ્ટ ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા. ત્યારે પાંચ વર્ષની દીકરીએ તેની મમ્મીને કહ્યું કે, મને તરસ લાગી છે. મારે પાણી પીવું છે. જેથી, લક્ષ્મીબેન છ મહિનાના દીકરાને તેડીને તેમજ પાંચ વર્ષની દીકરીને માતા મંજુબેનના ખોળામાં મૂકી રોડ ક્રોસ કરીને પાણી ભરવા માટે ગયા હતા.
મંજુબેન પાંચ વર્ષની પૌત્રીને ખોળામાં લઇ નજીકમાં પાર્ક થયેલી એક કારની નજીક જઈને બેઠા હતા. કારમાં બેઠેલા ડ્રાઇવરને તેઓ દેખાયા નહતા. તેણે અચાનક કાર ચાલુ કરી દેતા નાની અને પૌત્રી કચડાઇ ગયા હતા. નાનીનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પૌત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું. સમા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર ચાલક ગોવિંદભાઇ રાવલિયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.