પત્નીને કારમાંથી નીચે ઉતારી વેપારી બે ઇજાગ્રસ્તને પોતાની કારમાં દવાખાને લઇ ગયા

કાર ડિવાઇડર સાથે અથડાઇ અને ત્યારબાદ રોડની પાળી પર બેસેલા યુવક યુવતીઓને અડફેટે લીધા

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
પત્નીને કારમાંથી નીચે ઉતારી વેપારી બે ઇજાગ્રસ્તને પોતાની કારમાં દવાખાને લઇ ગયા 1 - image

 વડોદરા,અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ગુરૃવારની મોડી રાતે થયેલા અકસ્માતને નજરે નિહાળનાર  વેપારીએ એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો.  પરંતુ, એમ્બ્યુલન્સને આવતા સમય થાય તેમ હોવાથી તેમણે કારમાંથી પોતાની  પત્નીને નીચે ઉતારી દીધા હતા. ત્યાબાદ બે ઇજાગ્રસ્તને કારમાં બેસાડી સારવાર માટે હોસ્પિટલમાં લઇ  ગયા હતા.

કોમ્પ્યુટર રિપેરીંગનો બિઝનેસ કરતા દુષ્યંતભાઇ ઠક્કરના કાકીનું મરણ થયું હોવાથી તેઓ અંતિમ વિધિમાં પત્ની સાથે ગયા હતા. મરણ વિધિ  પૂર્ણ  કરીને તેઓ મોડીરાતે પત્ની સાથે કારમાં પરત ઘરે જઇ રહ્યા હતા. અકોટા - દાંડિયા બજાર બ્રિજ પરથી તેઓ કાર લઇને પસાર થતા હતા. દુષ્યંતભાઇએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અકસ્માત સર્જનાર કાર મારી કારના બાજુમાંથી જ પૂરઝડપે પસાર થઇ હતી. તે સમયે મને પણ તેનું  ડ્રાઇવિંગ જોખમી લાગ્યું હતું. મારી કાર સાથે તે અથડાતા રહી ગયો. મારી આગળ જતા એક મોપેડને પણ તે અથડાતા રહી  ગયો હતો. કારની સ્પીડ તેના કંટ્રોલમાં નહીં હોવાનું જણાતું હતું. જોતજોતામાં તે ડિવાઇડર સાથે અથડાયો અને બચવા માટે તેણે સ્ટિયરિંગ ફરાવતા રોડની સાઇડ પર પાર્ક થયેલા બે મોપેડને અડફેટે લીધા હતા. રોડની પાળી પર બેસેલા યુવક યુવતીઓને પણ તેણે હવામાં ફંગોળ્યા હતા.

અકસ્માત જોઇને હું ઉભો રહી ગયો હતો. યુવક યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી મેં નીચે ઉતરીને એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. પરંતુ,એમ્બ્યુલન્સને આવતા સમય લાગે તેમ હોવાથી તેમજ બે ઇજાગ્રસ્તોને વધુ ઇજા થઇ હોવાથી મેં મારી કારમાં જ તેઓને દવાખાને લઇ જવાનું નક્કી કર્યુ હતું. કારમાં બેઠેલી મારી પત્ની શ્રૃતિને મેં નીચે ઉતારી  દીધી હતી. ત્યાં ઉભેલા એક યુવકની મદદથી મેં ઇજાગ્રસ્ત યુવતીઓને કારમાં બેસાડી દવાખાને લઇ ગયો હતો.


કાર પલટી જતા સૃષ્ટિ સૌ પ્રથમ બહાર નીકળી ગઇ

વડોદરા,કાર અકસ્માત થયા પછી પલટી ગઇ હતી. એરબેગ ખૂલી જતા કારમાં બેસેલા યુવક અને યુવતી બચી ગયા હતા.  પરંતુ,કાર ચાલકે ફસાઇ ગયો હોવાથી તેને લોકોએ બહાર કાઢ્યો હતો. જ્યારે યુવતી કાર પલટી ખાતા જ કારમાંથી બહાર નીકળી ગઇ હતી. અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. કેટલાક લોકો વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતા. જ્યારે વેપારી દુષ્યંતભાઇ ઇજાગ્રસ્તોને  પોતાની કારમાં દવાખાને લઇ  ગયા હતા.


ઇજાગ્રસ્ત પ્રીતિ શર્માને રજા અપાતા પિતા સુરત ઘરે લઇ ગયા

 વડોદરા,ઇજાગ્રસ્ત પ્રીતિ શર્મા પણ એમ.બી.એ. નો અભ્યાસ કરે છે. તેના પિતા સુરતમાં પ્લાયવુડનો ધંધો કરે છે. પ્રીતિ શર્માને માથામાં તથા પગ પર ઇજા થઇ હતી. તેના પિતા રાજેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, આવા અકસ્માતો ના થાય તે માટે તકેદારી રાખવી જોઇએ. તેમણે પોલીસની કામગીરી સારી  હોવાનું જણાવ્યું હતું. ઇજાગ્રસ્ત પુત્રીને હોસ્પિટલમાંથી રજા આપતા તેઓ પુત્રીને લઇને સુરત ઘરે જવા નીકળી ગયા હતા.


Google NewsGoogle News