સમા વિસ્તારમાં ખાડામાં બસ ફસાઇ,બસ કાઢવા જતાં ક્રેન પણ સપડાઇઃ ચોમાસામાં ગંભીર બનાવોની દહેશત
વડોદરાઃ વડોદરામાં ઠેરઠેર ખોદકામ થવાને કારણે ખાડા પડવાના અને તેમાં વાહનો ફસાઇ જવાના બનાવો બની રહ્યા છે.સમા વિસ્તારમાં આજે એક બસ ફસાઇ જતાં તેને મહામુસીબતે બહાર કાઢવામાં આવી હતી.
સમા વિસ્તારમાં લક્ષ્મીનગર નજીક આજે એક ખાનગી બસ ખાડામાં ફસાઇ ગઇ હતી.જેને કાઢવા જતાં નાકે દમ આવી ગયો હતો.એક તબક્કે બસને કાઢવા માટે ક્રેન મંગાવવી પડી હતી.પરંતુ આ ક્રેન પણ ફસાઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી.
હજી વરસાદની શરૃઆત છે ત્યાંજ શહેરમાં રોડ બેસી જવાના અને ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે.આગામી દિવસમાં જો ધોધમાર વરસાદ પડશે અને પાણી ભરાશે તો હજી પણ ગંભીર બનાવો બનવાની દહેશત છે.
ઉલ્લેખનીય છે કે,ત્રણ દિવસ પહેલાં જ કારેલીબાગ વિસ્તારમાં અમિતનગર નજીક નવો બનાવેલો રસ્તો બેસી જવાનો બનાવ બન્યો હતો.જ્યારે ગોરવા મધુનગર વિસ્તારમાં પણ ડ્રેનેજની લાઇન બેસી જવાનો બનાવ બન્યો છે.છાણી દીપ ટોકિઝ નજીક ભુવો પડતાં એક કાર્યકરે રમકડાંની કાર ઉપર મેયર અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનનો ફોટો મુકી કાર ભુવામાં ઉતારીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.