ઇલોરાપાર્કના બિલ્ડરે છઠ્ઠા માળેથી નીચે ઝંપલાવી આપઘાત કર્યો
વોચમેન એ બ્લોકમાં તપાસ કરવા ગયો પણ બિલ્ડરે બી બ્લોકમાંથી મોતનો ભૂસકો માર્યો
વડોદરા,ઇલોરાપાર્ક વિસ્તારમાં રહેતા ૫૭ વર્ષના બિલ્ડરે સુભાનપુરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના બી બ્લોકના છઠ્ઠા માળેથી નીચે ઝંપલાવી મોતને વહાલું કર્યુ હતું. જે અંગે ગોરવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુભાનપુરા વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ઉદ્ઘાટનની રાહ જોઇ રહ્યા છે. આજે સાંજે પોણા છ વાગ્યે એક શખ્સ ઉતાવળા પગે અંદર જતા વોચમેન તેની પાછળ દોડયો હતો. આ શખ્સને શોધવા માટે વોચમેન એ બ્લોકમાં ગયો હતો. એ બ્લોકના તમામ ફ્લોર પર તપાસ કરતા કોઇ મળી આવ્યું નહતું. જેથી, વોચમેન નીચે ઉતરી ગયો હતો. તે દરમિયાન બી બ્લોકમાંથી એક શખ્સે પડતું મૂકતા જમીન પર ધડાકાભેર પટકાયો હતો. લોહીલુહાણ થઇ ગયેલા શખ્સ પાસે વોચમેન દોડી ગયો હતો. બનાવની જાણ ગોરવા પોલીસને કરવામાં આવતા પી.એસ.આઇ. ડી.બી. ચૌધરી ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે બી બ્લોકમાં જઇ તપાસ કરતા છઠ્ઠા માળેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. મોબાઇલ પરથી પોલીસે કોલ કરીને આપઘાત કરનારના પરિવારને જાણ કરી હતી. થોડીવારમાં મૃતકનો સાળો દોડી આવ્યો હતો. આપઘાત કરનારનું નામ અનિરૃદ્ધભાઇ સત્યનારાયણ ( ઉં.વ.૫૭) (રહે. પચંવટી સોસાયટી, આમ્રકુંજ સોસાયટી પાસે, ઇલોરાપાર્ક) હોવાનું જાણવા મળ્યું હતું. તેઓની પાસેથી કોઇ ચિઠ્ઠી મળી આવી નથી. ગોરવા પોલીસે મૃતદેહ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. બિલ્ડરના આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બિલ્ડરની પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
વડોદરા,બિલ્ડર અનિરૃદ્ધભાઇએ કયા માળેથી નીચે કૂદીને આપઘાત કર્યો છે ? તે જાણવા માટે પોલીસે બી બ્લોકમાં જઇને તપાસ કરતા છઠ્ઠા માળેથી બિલ્ડરનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પોલીસે મોબાઇલ પરથી તેમના પત્નીને કોલ કર્યો હતો. પરંતુ, પત્નીનું બી.પી લો થઇ ગયું હોઇ પોલીસે તેઓને આપઘાતની વિગતો જણાવી નહતી. ત્યારબાદ બિલ્ડરના સાળાને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મૂળ રાજસ્થાનના બિલ્ડર છેલ્લા ૧૫ વર્ષોથી વડોદરામાં સ્થાયી થયા હતા
વડોદરા,બિલ્ડર અનિરૃદ્ધભાઇ મૂળ રાજસ્થાનના વતની છે. તેઓ છેલ્લા ૧૫ વર્ષથી વડોદરામાં સ્થાયી થયા હોવાનું પોલીસે જણાવ્યું છે. જોકે, આપઘાતનું કોઇ કારણ પોલીસને જાણવ મળ્યું નથી. બિલ્ડરના મોબાઇલ ફોનના આધારે પોલીસ તેઓના પરિવાર સુધી પહોંચી છે. બિલ્ડરે કોઇને કોલ કર્યો હતો કે કેમ ? મોબાઇલમાં આપઘાત અંગે કોઇ મેસેજ કર્યો છે કે કેમ ? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પરિવાર પણ આઘાતમાં હોવાથી વધુ પૂછપરછ થઇ શકી નથી. બિલ્ડરની સાઇટ હાલમાં ક્યાં ચાલે છે ? તેની પણ પોલીસે તપાસ શરૃ કરી છે.