લગ્ન પ્રસંગે નવવધૂના સોના ચાંદીના દાગીના પાર્ટી પ્લોટમાંથી ચોરાયા
સીસીટીવી કેમેરામાં દુલ્હનના રૃમમાંથી બેગ ચોરી જતો આરોપી દેખાયો
વડોદરા,લગ્નસરાની મોસમ શરૃ થતા જ પાર્ટી પ્લોટમાં ચોરી કરતી ટોળકી સક્રિય થઇ છે. આજવા ચોકડી કૈલાસ પાર્ટી પ્લોટમાં દુલ્હનની રૃમમાંથી ચોર અઢી લાખના સોના ચાંદીના દાગીના ચોરી ગયો હતો.
આજવા રોડ કમલા નગર ઓમ સાંઇ રેસિડેન્સીમાં રહેતો ધરમવીર અરૃણકુમાર મહારાષ્ટ્રના પનવેલ ખાતે ઝીંદાલ કંપનીમાં નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૧લી એ મારી નાની બહેન દીક્ષાકુમારીના લગ્ન પારસમણી રામનરેશસિંગ ( રહે. દર્શનમ ઇકો વિસ્ટા, તરસાલી બાયપાસ) સાથે નક્કી થયા હતા. અમે આજવા ચોકડી પાસે આવેલો કૈલાસ પાર્ટી પ્લોટ ૧લી તારીખના સાંજે સાત વાગ્યાથી ૨જી તારીખના સવારના સાત વાગ્યા સુધી બુક કરાવ્યો હતો. અમે પરિવાર સાથે સાત વાગ્યે કૈલાસ પાર્ટી પ્લોટમાં આવી ગયા હતા. ત્યાં લગ્ન વિધિ ચાલતી હતી. મારી બહેને લગ્નમાં પહેરવાના સોના તથા ચાંદીના ઘરેણા એક વાદળી કલરની બેગમાં મૂક્યા હતા. તે બેગ મારા માતા ચંદાકુમારી પાસે રાખી હતી. તે બેગ લઇને મારા માતા રાતે દોઢ વાગ્યે દુલ્હનની રૃમમાં લઇને ગઇ હતી. બેગ રૃમમાં મૂકીને તેઓ થોડા સમય માટે બહાર ગયા હતા. પરત રૃમમાં ગયા ત્યારે રૃમમાંથી બેગ ચોરાઇ ગઇ હતી. બેગમાં સોના ચાંદીના દાગીના કિંમત રૃપિયા ૨.૪૦ લાખના હતા. બાપોદ પોલીસ સ્ટેશનના પી.આઇ.આર.ડી.ચૌહાણે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા એક યુવક ચોરી કરતો દેખાય છે. ચોર કયા રસ્તે અને કયા વાહનમાં આવ્યો હતો ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.