બેભાન થયા પછી મૃત્યુ પામનાર કામદારના મૃતદેહનું ફરીથી પી.એમ.
મોતનું કારણ જાણવા માટે વિસેરા લેવડાવવા પોલીસે ફરીથી પી.એમ.કરાવ્યું
વડોદરા,નંદેસરીની કેમિકલ કંપનીમાં બેભાન થઇ ગયા પછી સારવાર માટે લઇ જવાયેલા કામદારનું મોત થયું હતું. ત્યારબાદ પરિવારે ઝેરી કેમિકલની તીવ્ર અસરથી મોત થયાનો આક્ષેપ કરતા વિસેરા લેવા માટે પોલીસે ફરીથી મૃતદેહ સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભેટાસી વગા ગામમાં ડેરીવાળા ફળિયામાં રહેતો ૩૧ વર્ષનો વિજય ચંદુભાઇ પરમાર નંદેસરી જી.આઇ.ડી.સી.માં આવેલા કલ્કિ કેમિકલ કંપનીમાં નોકરી કરે છે. બે દિવસ પહેલા મધરાતે બે થી ત્રણ વાગ્યાના અરસામાં તે કંપનીમાં ઇટીપી વિભાગમાં અચાનક બેભાન થઇ જતા સુપરવાઇઝર હિતેન્દ્રસિંહ વાઘેલા તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ, મળસ્કે પોણા ચાર વાગ્યે તેનું મોત થયું હતું. જે અંગે નંદેસરી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. વિજય પરમારના મોતનું કારણ જાણવા માટે પોલીસે મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જોકે, પ્રાથમિક તપાસ બાદ યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની પરિવારને જાણવા મળતા તેઓએ આક્ષેપ કર્યો હતો કે, વિજયનું મોત કંપનીના ઝેરી કેમિકલની અસરના કારણે થયું છે. ગઇકાલે થયેલા પી.એમ.માં વિશેરા લેવામાં આવ્યા નહતા. વિશેરાના રિપોર્ટ પછી જ મોતનું સાચું કારણ જાણી શકાય તેમ હોવાથી પોલીસે આજે ફરીથી બોડી પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.ઉલ્લેખનીય છે કે, અગાઉ વિસેરા લેવાયા હોત તો ફરીથી પી.એમ.કરાવવું ના પડત.
કંપનીવાળાએ કહ્યું કે, હાર્ટ એટેકથી મોત થયું
વડોદરા,વિજયના મૃતદેહના ફરીથી પીએમ કરાવવાની ઘટના અંગે ગામના આગેવાને કહ્યું હતું કે, કંપનીના અધિકારીઓએ એવી ખાત્રી આપી હતી કે, જો કંપનીની ભૂલના કારણે વિજયનું મોત થયું હશે તો અમે વળતર આપીશું. ત્યારબાદ કંપનીવાળાએ અમને કહ્યું કે, વિજયનું મોત હાર્ટ એટેકથી થયું છે. જ્યારે પોલીસને મોતનું કારણ ખબર નથી તો પછી કંપનીવાળાને મોતનું કારણ ક્યાંથી ખબર પડી ? જેથી, અમને શંકા થઇ હતી.
અગાઉ વિસેરા નહીં લેવામાં ડોક્ટરની ભૂલ કે પોલીસની
વડોદરા,જ્યારે પણ આ રીતે શંકાસ્પદ મોત થાય ત્યારે મૃતદેહને પી.એમ. માટે મોકલવામાં આવે છે. આવા કિસ્સામાં મોતનું ચોક્કસ કારણ વિસેરાના રિપોર્ટ પછી જ નક્કી થતું હોય છે. અગાઉ પી.એમ. દરમિયાન ડોક્ટરે શા માટે વિસેરા ના લીધા ? તે તપાસનો વિષય છે. પોલીસનું કહેવું છે કે, અમે તો ડોક્ટરને કહ્યું હતું. પરંતુ, ડોક્ટરનું કહેવું હતું કે, મોતનું કારણ સ્પષ્ટ થઇ ગયું હોવાથી વિસેરાની જરૃર નથી.