ઠાસરાની શેઢી નહેરમાં ડૂબી ગયેલા યુવાનની લાશ મળી
તણાયેલા ૮ પૈકી ૭ યુવાનોનું રેસ્ક્યૂ કરાયું હતું
ભારે શોધખોળના અંતે ૨૪ કલાક બાદ ઓવરંગપુરાની કેનાલમાંથી મૃતદેહ મળ્યો
ઠાસરા: ઠાસરામાં બુધવારે બાળકીની અંતિમવિધિમાં ગયેલા ડાઘુઓ શેઢી શાખાની મુખ્ય નહેરમાં નહાવા ગયા હતા. તેમાં આઠ વ્યક્તિઓ તણાયા હતા. જેમાંથી સાત વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરાયું હતું. જોકે, એક અઢાર વર્ષિય યુવક ડૂબી ગયો હતો. શોધખોળ બાદ ૨૪ કલાક બાદ ઓવરંગપુરા ગામની કેનાલમાંથી આ યુવાનનો મૃતદેહ ગુરૂવારે મળ્યો હતો.
ઠાસરાના બહાર ફળિયામાં એક બાળકીનું મૃત્યુ થતાં બુધવારે બપોરે સગા-સંબંધીઓ પાલિકાના મોટા સ્મશાન પાસે આવેલા સમાજના સ્મશાનમાં અંતિમવિધી કરવા ગયા હતા. અંતિમવિધી બાદ નહાવાની પરંપરા હોવાથી ડાઘુઓ શેઢી શાખાની મુખ્ય નહેરમાં નહાવા ગયા હતા. ત્યારે જયેશભાઈ મુકેશભાઈ ઓડ (ઉં.વ. ૧૮) સહિત આઠ યુવાનો નહેરના પાણીમાં તણાયા હતા. જેમાં સાત વ્યક્તિઓનું રેસ્ક્સૂ કરાયું હતું પરંતુ, જયેશભાઈને તણાઈને ડૂબી ગયા હતા. બાદમાં ઠાસરા પાલિકાની ટીમ મીની ફાયર ટેન્કર સાથે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ કરવા છતાં મોડી રાત સુધી યુવકનો પત્તો લાગ્યો હતો નહીં. બાદમાં તા. ૨૬મીને ગુરૂવારે સવારથી શેઢી શાખા નહેરમાં પાણીનો પ્રવાહ ઓછો કરી તરવૈયાઓએ સઘન શોધખોળ શરૂ કરી હતી. ત્યારે બપોરે બે વાગ્યે ઠાસરાના ઓવરંગપુરા ગામના સીમ વિસ્તારમાંથી પસાર થતી શેઢી શાખા નહેરમાંથી ૨૪ કલાક બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં મૃતદેહને ઘરે લઈ જતા માતા સહિત પરિવારજનો કલ્પાંત કરી ઉઠયા હતા.