સુરાશામળ ગામે ભાજપના સાંસદે પણ લોકોના રોષનો ભોગ બનવું પડયું

બે હેક્ટરની મર્યાદામાં ૫૦ હજારનું પેકેજ ટુકડો ફેંકવા બરાબર કહી સર્વે કામગીરીમાં સહકાર નહી આપવા ચીમકી

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
સુરાશામળ ગામે ભાજપના સાંસદે પણ લોકોના રોષનો ભોગ બનવું પડયું 1 - image

રાજપીપળા, શિનોર તા.૨૩ નર્મદા નદીના પૂરના કારણે ભરૃચ જિલ્લામાં બે ધારાસભ્યો લોકોના રોષનો ભોગ બન્યા બાદ હવે ભરૃચના ભાજપના સાંસદે વડોદરા જિલ્લામાં તેમના મતવિસ્તારમાં શિનોર તાલુકાના સુરાશામળ ગામમાં આવતાં જ લોકોના રોષનો ભોગ બનવું પડયું હતું. ગામમાં પગ મૂકતાં જ લોકોએ ઘેરાવો કર્યો હતો. પૂરગ્રસ્તોએ ઘેરીને વેદનાનો પહાડ ઠાલવતાં સાસંદ કશુ બોલી શક્યા ન  હતાં.

લોકસભા સત્ર પૂર્ણ કરી દિલ્હીથી આવ્યા બાદ સાંસદ મનસુખભાઇ વસાવા પોતાના મતક્ષેત્ર શિનોર નજીકના સુરાશામળ ગામે પહોંચ્યા  હતાં. તેમણે ગાડીમાંથી નીચે પગ મૂકતાં જ લોકો તેમને ઘેરી વળ્યા  હતાં. સાંસદ કશુ બોલે તે પહેલાં જ લોકોએ શબ્દોરૃપી રોષ ઠાલવવાનું શરૃ કરી દેતાં સાંસદે મુકપ્રેક્ષક બની માત્ર સાંભળવાનો વારો આવ્યો હતો. આગામી ૨૦૨૪ની ચૂંટણીમાં પણ મહેરબાની કરી ગામમાં આવતા નહીં કરી સાહેબ ગાડીમાં બેસી જાવ તેમ કહી દીધું  હતું.

માલસર અને સુરાશામળ ગામની મુલાકાતે આવેલા સાંસદ મનસુખ વસાવાને ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું  હતું કે સરકાર દ્વારા જે બે હેક્ટરની મર્યાદામાં ૫૦ હજારના પેકેજની જાહેરાત કરી છે તે અમોને ટુકડો ફેંકવાનું લાગી રહ્યું હોય આ પેકેજમાં વધારો કરવો જોઇએ તેવી માંગણી કરી હતી. જો વધારો નહી કરે તો સરકારની સર્વે કામગીરીમાં અમે સહકાર આપવાના નથી તેવી આક્રોશ સાથે રજૂઆત પણ કરાઇ હતી.




Google NewsGoogle News