Get The App

સ્કૂલવાનમાં ડ્રગ્સ મૂકાવી ભાજપના નેતાએ ચાલકને કેસમાં ફસાવ્યો

ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી, મહિલા સરપંચના પતિ, વડોદરાના ડ્રગ્સ સપ્લાયર સહિત ત્રણની ધરપકડ

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
સ્કૂલવાનમાં ડ્રગ્સ મૂકાવી ભાજપના નેતાએ ચાલકને કેસમાં ફસાવ્યો 1 - image

ભરૃચ તા.૨૪ ભરૃચ નજીક આવેલા રહાડપોર ગામે એક સ્કૂલવાનમાંથી ઝડપાયેલા ડ્રગ્સના કેસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સ્કૂલવાન ચાલક ગામના કૌભાંડો અંગે આરટીઆઇ કરી માહિતી માંગતા ગામના સરપંચના પતિ તેમજ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રીએ સ્કૂલવાનમાં રૃા.૪ લાખની સોપારી આપી ડ્રગ્સ મૂકાવી ચાલકને ફસાવ્યો હોવાની વિગતો જાણવા મળતાં આખરે પોલીસે સરપંચના પતિ, વડોદરાના ડ્રગ્સ સપ્લાયર સહિત ત્રણની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભરૃચ નજીક આવેલા રહાડપોર ગામે સ્કૂલવાન ચાલક પ્રકાશ અંબાલાલ પટેલની ગાડીમાં ૬૨ ગ્રામ એમડી ડ્રગ્સ તથા ૫-૫ ગ્રામની ડ્રગ્સ પેક કરવાની થેલી અને વજનકાંટો સહિતનો મુદ્દામાલ એસઓજી પોલીસે કબજે કરી સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતાં. રિમાન્ડ દરમિયાન સ્કૂલવાન ચાલક પ્રકાશ પટેલ એમડી ડ્રગ્સનો વેપાર કરતો હોય અથવા તો ડ્રગ્સ કોની પાસેથી લાવતો હોય તેવા કોઈ પુરાવા મળ્યા ન હતાં. દરમિયાન પ્રકાશ પટેલે ગામના સરપંચે ફસાવ્યો હોવાની કેફિયત રજૂ કરી હતી.

બાદમાં રહાડપોર ગામના મહિલા સરપંચના પતિ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ તેમજ ભરૃચ ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલને પોલીસે બોલાવી કડક પૂછપરછ અને તેના મોબાઈલની સીડીઆર સહિત ઝીણવટભરી તપાસ કરવામાં આવતા આખરે તેઓ પડી ભાંગ્યા હતા અને પ્રકાશ પટેલની ગાડીમાં ડ્રગ્સ સહિતની સામગ્રી મૂકવા માટે છેલ્લા બે મહિનાથી કાવતરું રચાયું હોવાની કબૂલાત કરી હતી.

સ્કૂલવાનમાં સામગ્રી મૂકવા માટે રહાડપોર ગામના આશિયાનાપાર્કમાં રહેતા અહેમદખાન ઉર્ફે શાહરુખ સોકતખાન પઠાણને ચાર લાખ રૃપિયા આપવાનું નક્કી કરી ૩.૫૦ લાખ રૃપિયા ડ્રગ્સ સહિતની સામગ્રીઓ મૂકવા માટે આપ્યા હતાં તેવી વિગતો બહાર આવતાં પોલીસે સ્કૂલવાનમાં ડ્રગ્સ મૂકનાર અહેમદખાન ઉર્ફે શાહરુખ સોકતખાન પઠાણની ઘરપકડ કરતા તે ડ્રગ્સનો જથ્થો વડોદરાના હાથીખાના વિસ્તારમાં પટેલ ફળીયાના રહીશ આફતાબ ઉર્ફે અપ્પુ સિકંન્દર શેખ પાસેથી ખરીદયું હોવાની કબૂલાત કરતા પોલીસે તેની પણ ઘરપકડ કરી હતી.




Google NewsGoogle News