હાઇવેની બાજુના રોડ પર ચાલતા જતા પ્રોફેસરના ગળામાંથી અછોડો તોડીને બાઇક સવાર ત્રિપુટી ફરાર
ગળામાંથી અછોડો આંચકીને બાઇક પર અન્ય સાગરીતો સાથે આરોપી ભાગી ગયો
વડોદરા,હાઇવે પર એલ એન્ડ ટી નોલેજ સિટિની સામે ચાલતા જતા પ્રોફેસરના ગળામાંથી સોનાનો અછોડો તોડીને ત્રણ આરોપીઓ ભાગી ગયા હતા. જે અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા રોડ એલ એન્ડ ટી નોલેજ સિટિની સામે વી.આર.ઇમ્પીરીયામાં રહેતો પાવની દશરથભાઇ રામીરેડ્ડી પારૃલ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું પારૃલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરૃં છું. ગઇકાલે હું મારી મિત્ર શ્રાવની નારાયણા તથા સુપ્રિયા ક્રિષ્ટીપાટી સાથે સાડા સાત વાગ્યે મારા ઘરેથી ચાલતા નેશનલ હાઇવે ક્રોસ કરીને તક્ષ ગેલેક્સી મોલની બાજુમાં આવેલ જગદીશ ફરસાણ દુકાનમાં નાસ્તો કરી પરત આવતા હતા. વી.આર. વન કોમ્પલેક્સની બાજુમાં રોડ પર ચાલતા જતા વાતો કરતા જતા હતા. તે દરમિયાન સાડા આઠ વાગ્યે એક વ્યક્તિ અમારી પાછળ દોડી આવી મને પાછળથી ખભા પર હાથ અડાડી બોલાવવાનો ઇશારો કરતા હું તેની સામે જોવા જતા પહેલા તે મારા ગળામાંથી ચેન ઝૂંટવીને ભાગવા લાગ્યો હતો. આરોપીએ લાલ તથા કાળા કલરના પટ્ટાવાળી ટી શર્ટ પહેરી હતી. તેમજ મોંઢા પર કાળા કલરનું માસ્ક પહેર્યુ હતું. દોડીને તે થોડે દૂર ઉભેલી બાઇક પર ત્રણ સવારી બેસીને ફરાર થઇ ગયો હતો.