૧૫૦થી વધુ કર્મચારીઓ, અધિકારીઓ છતાં લોકો પર હુમલો કરનાર રીંછ ઝાડ પરથી ભાગવામાં સફળ
ત્રણ દિવસમાં ત્રણ વ્યક્તિ પર રીંછનો હુમલો ઃ ઝાડ પરથી ભાગતા પણ એકને ઘાયલ કર્યા
છોટાઉદેપુર તા.૧૦ છોટાઉદેપુર તાલુકામાં રીંછના હુમલાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. બે દિવસમાં ત્રણ વ્યક્તિને રીંછે ઇજાગ્રસ્ત કર્યા છે. વીરપુર ગામ પાસે વધુ એક વ્યક્તિ ઉપર હુમલો કરી રીંછે ઇજા પહોંચાડી હતી.
છોટાઉદેપુર તાલુકામાં રીંછના હુમલાના બનાવો બની રહ્યા છે. આજે એક રીછ છોટાઉદેપુર તાલુકાના લગામી ગામ ખાતે મહુંડાના ઝાડ ઉપર ચડયું હતું. જેની જાણ વન વિભાગને થતા વન વિભાગ સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. પરંતુ ઝાડ ઉપરથી ઉતરી રીંછ ભાગી જવામાં સફળ રહ્યું હતું અને રસ્તામાં વીરપુર તરફ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો.
ગઇકાલે પણ એક રીંછ વાગલવાડામાં એક વૃદ્ધા અને ચીલીયાવાટ ગામે એક આધેડ ઉપર હુમલો કરી ભાગી છૂટયું હતું. જ્યારે આજે છોટાઉદેપુર તાલુકાના વીરપુર ગામ તરફ એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. તાલુકામાં બે દિવસમાં રીછના હુમલાના ૩ બનાવના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
આજે છોટાઉદેપુર વન વિભાગનાં લગામી ખાતે મહુડાના ઝાડ પર ચઢી ગયેલા વન્ય પ્રાણી રીંછને રેસ્ક્યૂ કરવા મદદનીશ વન સંરક્ષક છોટાઉદેપુર તથા ૧૫૦થી વધારે વન કર્મચારી અને પીએસઆઇ ઝોઝ અને પોલિસ સ્ટાફ સહિત વેટનરી ઓફિસર સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતાં પરંતુ તમામને ચકમો આપી રીંછ નદી કોતરમાં ભાગી ગયું હતું. હાલ નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર અને સ્ટાફ સહિત શોધખોળ કરી રહ્યા છે.