કર્ણાટકા બેન્કના બેન્ક મેનેજર અનેઓડિટરે વેપારીની મોર્ગેજ મિલકતો પડાવવા કારસો રચ્યો
વડોદરાઃ ઓ પી રોડ વિસ્તારની કર્ણાટકા બેન્કના પૂર્વ મેનેજર અને ઓડિટરે વેપારીને વિશ્વાસમાં લઇ લાખોનું નુકસાન પહોંચાડી તેમની મોર્ગેજ કરેલી મિલકતો પડાવી લેવાનો કારસો રચતાં વેપારીએ પોલીસ ફરિયાદ કરી છે.
બરાનપુરાના સાંકેત ડુપ્લેક્સ ખાતે રહેતા નિલેશભાઇ ખારવાએ પોલીસને કહ્યું છે કે,મારું કર્ણાટકા બેન્કમાં ખાતું હતું.વર્ષ-૨૦૧૮માં મેં બેન્કમાંથી લોન લીધી હતી.મારું આઇટી,ઓડિટ વગેરેનું કામ કરતા હિરેનભાઇનું કોરોનામાં મૃત્યુ થતાં બેન્કના પૂર્વ મેનેજર પ્રસાદભાઇએ મારો સંપર્ક શિવાંગી એન્ટરપ્રાઇઝના સિધ્ધાર્થ દિનેશભાઇ ભોજક (અજીતનગર,અકોટા) સાથે કરાવ્યો હતો.
મેં સિધ્ધાર્થ ભોજક પર વિશ્વાસ રાખી મારા પાસવર્ડ,આઇડી,કોરા ચેકો આપ્યા હતા.મારી લોન વધી જતાં મેં ત્રણ મિલકતો વેચીને લોન ભરવા કહ્યું હતું.પરંતુ બેન્કના મેનેજર રવિશકુમાર અને સિધ્ધાર્થભાઇએ આ મિલકતો પડાવી લેવા કારસો રચ્યો હતો.સિધ્ધાર્થભાઇએ તેની પત્નીના નામે મિલકતો ખરીદી લોન ભરપાઇ કરવા કહ્યું હતું.પરંતુ તેમ નહિં કરીને મને ડિફોલ્ટર બનાવ્યો હતો.
નિલેશભાઇએ કહ્યું છે કે,સિધ્ધાર્થભાઇએ મારા જીએસટીની રકમ પણ ભરી નહતી.જેથી મને મોટું નુકસાન થયું હતું.પેનલ્ટી પણ ૪૭ હજારથી વધીને ૭ લાખ થઇ હતી.હું જીએસટીમાં ડિફોલ્ટર છું તેમ કહી સિધ્ધાર્થભાઇ અને તેની પત્ની ડિમ્પલબેને તેમના નામે ભાગીદારીમાં નવો ધંધો કરવા માટે કહ્યું હતું.પરંતુ આ ધંધામાં મેં મદદ કરી હોવા છતાં નફો પડાવી લીધોહતો.તેમણે મારા એનપીએ ખાતામાં જમા કરેલા ૮ લાખ પણ નિયમવિરૃધ્ધ ઉપાડી લીધા હતા.જ્યારે મેં આપેલી કાર પણ પરત નહિં આપતા હોવાથી મારે પોલીસ ફરિયાદ કરવી પડી હતી.મારી જેમ નિલેશ ઠાકોરને પણ દેવાદાર બનાવવા આવી જ રીતે તેમણે કારસો રચ્યો હતો.
પોલીસે આ અંગે સિધ્ધાર્થ ભોજક,તેનીપત્ની ડિમ્પલબેન,બેન્કના પૂર્વ મેનેજર રવિશકુમાર અને આસી.મેનેજર દર્શન આશર સામે ગુનો નોંધ્યો છે.