હરણીના બોટકાંડમાં ફરાર ચાર આરોપીના બેન્ક એકાઉન્ડ સીઝ કરાશે
વડોદરાઃ વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાના બનેલા ગોઝારા બનાવમાં ફરાર થઇ ગયેલા ચાર આરોપીઓને શોધવા માટે પોલીસ દોડધામ કરી રહી છે.પરંતુ હજી સુધી ચારેયનો પત્તો લાગ્યો નથી.જેથી તેમના બેન્ક એકાઉન્ટ સીઝ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે.
હરણી લેકઝોનમાં બોટિંગ દરમિયાન ન્યુ સનરાઇઝ સ્કૂલના બાળકોની બોટ પલટી જતાં ૧૨ બાળકો,એક શિક્ષિકા અને એક મહિલા સુપરવાઇઝર મળી કુલ ૧૪ નિર્દોષોના મોત થયા હતા.પોલીસે આ બનાવમાં સૂત્રધાર પરેશ શાહ,નિલેશ જૈન અને કોર્પોરેશનના પૂર્વ ટાઉન પ્લાનર ગોપાલદાસ શાહ સહિત ૧૯ જણા સામે ગુનો નોંધી સૂત્રધારોની ધરપકડ કરી હતી.
આ બનાવમાં હજી ચાર આરોપી ફરાર છે અને તેમને શોધવા માટે એડિશનલ કમિશનર મનોજ નિનામા અને ડીસીપી પન્ના મોમાયા સહિતના અધિકારીઓની સિટ દ્વારા તેમને શોધવા માટે વિવિધ રાજ્યોમાં ટીમો મોકલવામાં આવી છે.જે પૈકી ભાગીદાર ધર્મિન ભટાણી(જયઅંબે સોસાયટી,દિવાળીપુરા) વિદેશમાં હોવાની માહિતી મળી છે.
જ્યારે,સૂત્રધાર પરેશ શાહના પુત્ર વત્સલ શાહ,પત્ની નૂતન શાહ અને પુત્રી વૈશાખીનો હજી કોઇ પત્તો નથી.તેઓ ભારતમાં જ હોવાનું પોલીસ માની રહી છે. જેથી તેમને પકડવા માટે પોલીસની ટીમો વિવિધ રાજ્યોમાં ફરી રહી છે.
બોટકાંડમાં પકડાયેલા દિપેન અને ધર્મિલની ઓફિસમાં પોલીસનું સર્ચ
બોટકાંડના રિમાન્ડ પર લેવાયેલા બે આરોપીની ઓફિસ તેમજ ઘરમાં પોલીસ દ્વારા આજે સર્ચ કરવામાં આવ્યું હતું.
ડીસીપી પન્ના મોમાયાએ કહ્યું હતું કે,બોટકાંડમાં ફરાર આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ લેવામાં આવી રહ્યા છે.તાજેતરમાં દિપેન હિતેન્દ્ર શાહ અને ધર્મિલ ગિરિશભાઇ શાહ (બંને રહે.પુનિત નગર, મલ્હાર પોઇન્ટ પાસે,જૂના પાદરા રોડ)ના આવતીકાલે રિમાન્ડ પુરા થતા હોવાથી કોર્ટમાં રજૂ કરાશે.
આજે બંને આરોપીને ઘેર અને ઓફિસે પોલીસ દ્વારા ડોક્યુમેન્ટ કબજે કરવા માટે સર્ચ કરવામાં આવ્યું હતું અને બંનેનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું.