ફોરેક્સ ટ્રેડિંગમાં 80 ટકા પ્રોફિટના નામે 21 લાખની ઠગાઇ કરનાર ગેંગને બેન્ક ખાતું આપનાર પકડાયો
વડોદરાઃ ફોરેક્સ ટ્રેડિંગના નામે વડોદરાના ઇન્વેસ્ટર સાથે ઓનલાઇન ઠગાઇ કરનાર ગેંગને બેન્ક એકાઉન્ટ આપનાર સાગરીતને પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડયો છે.
ન્યુ સમા રોડ વિસ્તારના કલ્પેશભાઈ સુથારને ફોરેક્સ ટ્રેડિંગમાં ૪૦ થી ૮૦ ટકા સુધીનું વળતર આપવાની વાત કરી સુરેશ મૌર્ય નામના ઠગે ફસાવ્યા હતા.તેણે લિન્ક મોકલ્યા બાદ એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ૨૧.૭૧ લાખ રકમ મેળવી હતી અને સામે પ્રોફિટ ૭૧ લાખ જેટલી રકમ પણ દેખાતી હતી.પરંતુ ઇન્વેસ્ટર આ રકમ ઉપાડી શકતા નહતા.
આ બનાવમાં વડોદરા સાયબર સેલના પીઆઇ બી એન પટેલ અને ટીમે અગાઉ ત્રણ આરોપી પકડયા હતા.જ્યારે,ઠગ ગેંગ માટે બેન્ક એકાઉન્ટ ખોલાવનાર ધોરણ-૮ સુધી ભણેલા સાજીદખાન આસિફખાન પઠાણને નંદુરબાર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં નંદુરબારમાં રહેતા યુવકે બેન્ક એકાઉન્ટ આપવા માટે રૃ.૧૦ હજાર મળ્યા હોવાની કબૂલાત કરી છે.પોલીસે તપાસ કરતાં તેના બેન્ક એકાઉન્ટમાં બીજા પણ રૃ.૧૫ લાખના ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા છે.જેથી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.