ધો.૧૦ માં ભણતી વિદ્યાર્થિનીને હેરાન કરતા યુવકની જામીન અરજી નામંજૂર
એક એપાર્ટમેન્ટમાં લઇ જઇ વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા હતા
વડોદરા,ધો.૧૦ માં ભણતી ૧૪ વર્ષની વિદ્યાર્થિનીનો પીછો કરી હેરાન કરતા યુવક સામે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
શહેરના વાડી વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની કિશોરી ધો.૧૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ માતાને જણાવ્યું કે, આપણે એપ્રિલ મહિનામાં દમણ ગયા ત્યારે વાસુ લચ્છુમલ સદારંગાણી પણ દમણ આવ્યો હતો. તેણે મારો મોબાઇલ નંબર લીધો હતો. ત્યારબાદ હું જ્યારે ટયુશન ક્લાસમાં જતી હતી ત્યારે વાસુ રસ્તામાં આવી મારી સામે જોઇને કહેતો કે, તું મને બહુ ગમે છે. તે મને એવી ધમકી આપતો હતો કે, તું મારી સાથે વાતચીત નહી ંકરે તો તારા માતા - પિતાને જાનથી મારી નાંખીશ. જેથી, હું તેની સાથે વાતચીત કરતી હતી. એક દિવસ તે મને એક એપોર્ટમેન્ટમાં લઇ ગયો હતો. તેણે મારા ખભા પર હાથ ફેરવી કહ્યું કે, તું મારી સાથે રૃમ પર આવીશ. ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગઇ હતી. બીજી વખત પણ તેણે આ રીતે કર્યુ હતું. આ ગુનામાં જેલમાંથી છૂટવા માટે આરોપીએ કરેલી અરજી નામંજૂર થઇ છે.