યુનિ.માં કબડ્ડીની મેચ રમવા ગયેલા વિદ્યાર્થીની બેગ ચોરાઇ
બીજે દિવસે બેગ મળી પણ તેમાંથી સોના ચાંદીની વીંટી અને સોનાની ચેન ગૂમ હતા.
વડોદરા,એમ.એસ.યુ.ના પેવેલિયન ગ્રાઉન્ડ પર કબડ્ડીની મેચ રમવા ગયેલા વિદ્યાર્થીની બેગમાંથી સોનાની ચેન, વીંટી અને ચાંદીની એક વીંટી ચોરાઇ ગઇ હતી. જે અંગે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કારેલીબાગ વી.આઇ.પી. કોમ્પલેક્સની પાછળ બ્રહ્મા નગર સોસાયટીમાં રહેતો માનવ ચેતનકુમાર પ્રજાપતિ એમ.એસ.યુ.માં બી.એ.એલ.એલ.બી.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગત તા.૨૦ મી સપ્ટેમ્બરે તે કબડ્ડીની મેચ રમવા માટે એમ.એસ.યુ. ના પેવેલિયન ગ્રાઉન્ડમાં ગયો હતો. તેણે પોતાની સોનાની ચેન, બે વીંટી, મોબાઇલ ફોન તથા તેના મિત્ર પીયૂષ અગ્રવાલનો મોબાઇલ ફોન પોતાની બેગમાં મૂક્યા હતા.ત્યારબાદ તે એમ.એસ.યુ.ના યોગા હોલ ખાતે બેગ મૂકીને રમવા ગયો હતો. મેચ રમીને તે પરત આવ્યો ત્યારે તેની બેગ ગૂમ હતી. જે અંગે તેણે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.બીજે દિવસે તેની બેગ યોગા હોલના ગર્લ્સ વોશરૃમ પાસેથી મળી આવી હતી. પરંતુ,તેમાંથી સોનાની ચેન અને બે વીંટી મળી આવ્યા નહતા.