શેરખીની જમીનનો દસ્તાવેજ કરી રૃપિયા નહી ચૂકવનારની આગોતરા જામીન અરજી નામંજૂર
જમીન દલાલી કરતા બે ભેજાબાજો પર વિશ્વાસ કર્યો અને બાદમાં બંનેએ છેતરપિંડી કરી
વડોદરા,શેરખીની કિંમતી જમીન વેચાણ લેવાના બહાને શેરખીના બે ભેજાબાજોએ જમીન માલિક વૃદ્ધા સહિત ત્રણ મહિલાઓ સાથે પોણા બે કરોડથી વધુ રકમની છેતરપિંડી કરી હતી. જે ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર થઇ છે.
રાણીયા ગામમાં રહેતા ૭૧ વર્ષના જીલાબેન પુજાભાઇ ગોહિલે શેરખીમાં અલવાડુ ફળિયામાં રહેતા ગજેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરમાર અને બાપુનગર, શેરખીમાં રહેતા યોગેન્દ્રસિંહ જગદેવસિંહ રાઉલજી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, શેરખીમાં ૪૨૪૯ ચો.મી. જમીન અમારી છે. જેનો સોદો ગજેન્દ્રસિંહ અને યોગેન્દ્રસિંહ સાથે રૃા.૧.૯૩ કરોડમાં નક્કી કર્યો હતો. જો કે, બંનેએ દસ્તાવેજ કરવા માટે નક્કી કરેલી રકમ ના આપી ઠગાઇ કરી હતી. આ ગુનામાં સામેલ આરોપી ગજેન્દ્રસિંહની આગોતરા જામીન અરજી એડિશનલ સેશન્સ જજ એન.પી.રાડિયાએ નામંજૂર કરી છે. સરકાર તરફે વકીલ ભાવિક પુરોહિતે રજૂઆતો કરી હતી.