હરણી બોટ દુર્ઘટના બાદ શિક્ષણ સમિતિના બાળમેળામાંથી એડવેન્ચર ઝોનને રદ કરાયો
બાળકોને પ્રવાસે લઇ જતા શિક્ષકોને પણ સ્વિમિંગની તાલીમ અપાશે
વડોદરા,વડોદરા મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો તા.૨૫ થી ૨૮ સુધી ૫૧મો બાળમેળો સયાજીબાગમાં યોજાનાર છે, ત્યારે બાળમેળાના વિશિષ્ટ આકર્ષણો પૈકી એક એડવેન્ચર ઝોનને રદ કરવામાં આવ્યો છે.
શિક્ષણ સમિતિના અધ્યક્ષના કહેવા મુજબ બાળમેળાની છેલ્લા એક મહિનાથી તૈયારીઓ ચાલી રહી હતી. જે દરમિયાન ધ ટેલેન્ટ શોકેસ, એડવેન્ચર ઝોન, મનોરંજન વિભાગ, બાળકોની મોજ-વિસરાતી રમતો, સાંસ્કૃતિક વિભાગ, શૈક્ષણિક પ્રોજેકટ વગેરે આકર્ષણ ઊભા કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ હરણી બોટ દુર્ઘટના બાદ બાળકોને શ્રધ્ધાંજલિ રૃપે અને સુરક્ષા તથા તકેદારીના ભાગરૃપે એડવેન્ચર ઝોન રદ કરાયો છે. વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક, શૈક્ષણિક વગેરે પ્રોજેકટની મજા લઇ શકશે. તેમણે વધુમાં કહ્યું હતું કે શિક્ષણ સમિતિ નાના બાળકોને લઇને પ્રવાસે જતી જ નથી, પરંતુ ૬ થી ૮ ધોરણના બાળકોને શિક્ષકો પ્રવાસે લઇ જાય છે ત્યારે શિક્ષકોને પણ સ્વિમિંગની તાલીમ આપવી જોઇએ અને આ માટે કોર્પોરેશનની મંજૂરી લેવાશે. જેથી કરીને બાળકોને શિક્ષણમાં પ્રવાસે લઇ જાય ત્યારે આવી સ્વિમિંગની ટ્રેનિંગ લીધી હોય તો ગમે ત્યારે મદદરૃપ થઇ શકે. શાળાના વિદ્યાર્થીઓના વાલીઓએ પણ સ્વિમિંગની તાલીમ લેવી જોઇએ કેમ કે તેઓ પણ પોતાના બાળકોને પ્રવાસે લઇ જતા હોય છે.