પોલીસની નિષ્કાળજીથી દારૃના કેસમાં બે વર્ષથી વોન્ટેડ આરોપી પકડાયો જ નહીં
એકતરફ ચૂંટણીનો માહોલ અને બીજી તરફ દારૃ વેચતા આરોપીઓ સામે કોઇ કડક કાર્યવાહી થતી નથી
વડોદરા,એકતરફ ચૂંટણીનો માહોલ છે. પોલીસ અધિકારીઓ દ્વારા પ્રોહિબિશન સહિત અન્ય ગુનાઇત પ્રવૃત્તિઓ ડામવા માટે સૂચના આપવામાં આવે છે. પંરતુ, વાડી પોલીસ દ્વારા દારૃ વેચનાર આરોપીઓ પ્રત્યે કૂણું વલણ દાખવવામાં આવી રહ્યું છે. દારૃના એક થી વધુ ગુનાઓ દાખલ થવા છતાંય પોલીસ દ્વારા તેઓની સામે પાસાની કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
તાજેતરમાં જ પીસીબી પોલીસે વર્ષ - ૨૦૨૨ માં નોંધાયેલા પ્રોહિબિશનના કેસમાં વોન્ટેડ આરોપી સાગર પ્રજાપતિની ધરપકડ કરી વાડી પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સાગર સામે વર્ષ - ૨૦૨૩ માં પ્રોહિબિશનના બે ગુનાઓ નોંધાયા હતા. તેમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ, વર્ષ - ૨૦૨૨ ના ગુનામાં વાડી પોલીસે તેની ધરપકડ કરી નહતી. પીસીબી પોલીસ જ્યારે સાગર પ્રજાપતિને પકડીને વાડી પોલીસને સોંપે છે. ત્યારબાદ પણ વાડી પોલીસ તેની સામે પાસાની કાર્યવાહી કરતી નથી.
આ એક જ ઘટના નથી. જેમાં વાડી પોલીસ કોઇ કડક કાર્યવાહી કરી નથી. અગાઉ પ્રોહિબિશનના એક કેસમાં છોટાઉદેપુરના સપ્લાયરને પાસા કરવામાં આવી હતી. પરંતુ, તે કેસમાં સામેલ સંજુ દિલ્હી સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નહતી. આ રીતે જ આતિશ ઠાકોર સામે ગત વર્ષે અને થોડા દિવસો પહેલા પણ પ્રોહિબિશનના કેસ નોંધાયા હોવાછતાંય તેની સામે પાસાની કોઇ કાર્યવાહી કરવામાં આવી નહતી. પોલીસની આવી રહેમનજરના કારણે જ દારૃની ૧૦ - ૧૨ બોટલો વેચતા આરોપીઓ મોટા બૂટલેગરો બની જ તા હોય છે અને દારૃબંધીની વાતો માત્ર કાગળ પર જ રહી જતી હોય છે.