બાળ ઇસુ દેવાલયમાંથી મૂર્તિ ચોરી જનાર આરોપી ઝડપાયો
યુરોપથી મંગાવેલી કિંમતી મૂર્તિ પરની દોઢ તોલાની ચેન લઇને મૂર્તિ ફેંકી દીધી
વડોદરા,ગોરવા વિસ્તારમાં આવેલા ચર્ચમાં ચોરે કાચની પેટી તોડી તેમાં રાખેલી ઇસુ ખ્રિસ્તની મૂર્તિની ચોરી કરી હતી. ડીસીબી પોલીસે આ કેસમાં તપાસ કરી મૂર્તિ ચોરી કરનાર આરોપીને પંડયા બ્રિજ પાસેથી ઝડપી પાડયો છે.
મધુનગર બ્રિજ પાસે આવેલા બાળ ઇસુ દેવાલયમાં શુક્રવારની રાતે કંપાઉન્ડ વોલ કૂદીને ઘૂસીને ચોરે ઓફિસના કાચ તોડયા હતા અને સામાન વેરવિખેર કર્યો હતો.ત્યાર બાદ તેણે કાચની પેટી તોડી તેમાં રાખેલી ભગવાન ઇસુની મૂર્તિ ચોરી હતી. આ મૂર્તિ પર દોઢ તોલાની સોનાની ચેન પણ પહેરાવેલી હતી.
પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં ૩૫ વર્ષની આસપાસનો યુવક ચર્ચમાં ઘૂસીને ચોરી કરી જતો નજરે પડયો હતો.દરમિયાન ડીસીબી પોલીસને માહિતી મળી હતી કે, આ ચોર હાલમાં પંડયા બ્રિજ નજીક સોનાની ચેન વેચવા માટે ફરી રહ્યો છે. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને જીજ્ઞોશકુમાર જ્યંતિભાઇ પટેલીયા, ઉં.વ.૩૬ ( રહે.વાસુ રેસિડેન્સી, એકતા નગરની સામે છાણી જકાતનાકા) ને ઝડપી પાડયો છે. પોલીસની પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે, આરોપી અગાઉ ગોરવા ચર્ચમાં પ્રાર્થના કરવા માટે ગયો હતો. તે સમયે તેની નજર બાળ ઇસુના ગળામાં પહેરાવેલી સોનાની ચેન પર પડી હતી. હાલમાં તેને રૃપિયાની જરૃરિયાત હોવાથી તેણે રાતે ચર્ચમાં જઇ પથ્થરથી કાચની પેટી તોડી નાંખી હતી. ત્યાંથી મૂર્તિ ઉઠાવી લીધી હતી. પંડયા બ્રિજ પાસે આવી તેણે મૂર્તિના ગળામાંથી સોનાની ચેન આંચકી લઇ મૂર્તિ ફેંકી દીધી હતી.