મકાન માલિક પર પથ્થરમારો કરીને ભાગી જનાર આરોપી ઝડપાયો
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી
વડોદરા,ચોરી કરવાના ઇરાદે આવેલા ચોરને મકાન માલિકે પડકારતા આરોપીઓ પથ્થર મારીને ભાગી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડયો હતો.
મકરપુરા એરફોર્સ સ્ટેશનની પાછળ આકૃતિ ડૂપ્લેક્સમાં રહેતા સતિષભાઇ રમાકાંતભાઇ મેકડે બેંકમાંથી નિવૃત્ત થયા છે. હાલમાં તેઓ પત્ની સાથે રહે છે. ગત તા.૨જીએ તેઓ સવારે પાંચ વાગ્યે ઘરમાં સૂતા હતા. તે સમયે નજીકમાં જ માણસોનો અવાજ આવતા તેઓ જાગી ગયા હતા. તેઓએ ઘરની બહાર નીકળીને જોતા બે આરોપીઓ ચોરીના ઇરાદે તેમના કંપાઉન્ડમાં આંટા ફેરા મારતા હતા. જેથી, સતિષભાઇએ દોડીને બૂમ પાડતા આરોપીઓ ભાગ્યા હતા. બે પૈકીના એક આરોપીએ પથ્થર મારતા સતિષભાઇને મોંઢા પર ઇજા થઇ હતી.આરોપીઓ સફેદ કલરની કારમાં ભાગ્યા હોવાથી એસીપી પ્રણવ કટારિયાની સૂચના મુજબ પી.આઇ. જે.એન.પરમારે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરીને આરોપી કબીરસીંગ સતનામસીંગ સિંકલીગર ( રહે. નિઝામપુરા ચાર રસ્તા સેંક્યુરીયન શો રૃમ એપાર્ટમેન્ટ) ને ઝડપી પાડયો છે. તેની સામે અગાઉ બે ગુના દાખલ થયા છે.