બે વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરનાર આરોપી મહીસાગરથી પકડાયો

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
બે વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરનાર આરોપી મહીસાગરથી પકડાયો 1 - image


કલોલ તાલુકાના સાતેજ વિસ્તારમાંથી

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા સગીરાને પણ મુક્ત કરાવીને પરિવારના હવાલે કરવામાં આવી

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા સાતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરીને આરોપી ફરાર થઈ ગયો હતો ત્યારે જિલ્લા પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આરોપીને મહીસાગરથી ઝડપી લેવામાં આવ્યો છે અને સગીરાને મુક્ત કરીને પરિવારજનોના હવાલે કરી દેવામાં આવી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે જિલ્લાના સાતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરાનું બે વર્ષ અગાઉ આરોપી હિતેશ ભેમાભાઈ ચૌહાણ રહે, ફલસાણી તાલુકો, બાલાસિનોર ,મહીસાગર દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને જે સંદર્ભે સાતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે બે વર્ષનો સમય વીતી જવા છતાં આરોપી કે સગીરાનો કોઈ જ પતો લાગતો ન હતો. જેના કારણે આ કેસની તપાસ ગાંધીનગર જિલ્લાના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એ ડાભીને સોંપવામાં આવી હતી અને જેના પગલે ટીમના સભ્યોને એલર્ટ કરીને કોઈ પણ સંજોગોમાં આરોપીને પકડી સગીરાને મુક્ત કરાવવા માટે મથામણ શરૃ કરવામાં આવી હતી. જે અંતર્ગત ટીમના કોન્સ્ટેબલ રાકેશકુમારને બાતમી મળી હતી કે, આ આરોપી હાલ મહીસાગર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યો છે અને સગીરા સાથે હાલ ખાનપુર તાલુકાના બાકોર ગામે હાજર છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે સગીરાને મુક્ત કરાવીને તેનું મેડિકલ કરાવી પરિવારજનોના હવાલે કરવામાં આવી હતી.


Google NewsGoogle News