વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડીને ભાગી જનાર આરોપી ઝડપાયો
ગુનામાં સગીર વયના બે કિશોર પણ સામેલ : સોનાનો અછોડો કબજે
વડોદરા,વહેલી સવારે વારસિયા વિસ્તારમાં ઘરેથી ચાલતા દૂધ લેવા નીકળેલા વૃદ્ધાના ગળામાંથી સોનાનો અઢી તોલાનો અછોડો તોડીને ભાગી જનાર આરોપીને ડીસીબી પોલીસની ટીમે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.
વારસિયાની સ્વામિ નારાયણ સોસાયટીમાં રહેતા ૬૯ વર્ષના સુભદ્રાબેન ઘનશ્યામભાઇ શાહ ઘરકામ કરે છે. તેમના પતિ લક્કડ પીઠા રોડ પર આર. પટેલ કંપનીમાં નોકરી કરે છે.ગઇકાલે સવારે તેઓ ઘરેથી વહેલી સવારે સવા છ વાગ્યે ચાલતા નીકળી કેસરિયા ચાર રસ્તા પાસે દૂધ લેવા જતા હતા. દૂધ લઇને તેઓ ઘરે પરત આવતા હતા. તે સમયે મીરા રોડ તરફથી મોપેડ પર ત્રણ સવારી આરોપીઓ આવ્યા હતા. પાછળ બેસેલા આરોપીએ તેમના ગળામાંથી સોનાનો અઢી તોલાનો અછોડો તોડી લીધો હતો. સુભદ્રાબેને બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા અને આરોપીઓનો પીછો કર્યો હતો. પરંતુ, આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જે અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ડીસીબી પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજ તથા અન્ય હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરી આરોપી દીનાનાથ ઉર્ફે રાજ રામવદન ગોડ, ઉ.વ.૨૦ ( રહે. ખોડિયાર નગર, પીળા વુડાના મકાનમાં) ને ઝડપી પાડયો હતો. તેની સાથે અન્ય બે સગીર પણ આ ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી પાસેથી સોનાનો અછોડો અને મોપેડ કબજે લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે.