યાકુતપુરામાં જાહેરમાં હથિયારોથી હુમલો કરનાર આરોપીઓ ઘર છોડીને ફરાર
યુવક પર ટોળું તલવાર, પાઇપ જેવા હથિયારો વડે તૂટી પડયું હતું
વડોદરા,યાકુતપુરા વિસ્તારમાં ટોળાએ જાહેરમાં તલવાર જેવા મારક હથિયારો સાથે હુમલો કરી માતા અને પુત્ર સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ગુનામાં સામેલ આરોપીઓ ધરપકડના ડરથી ઘર છોડીને ફરાર થઇ ગયા છે.
યાકુતપુરામાં પટેલ ફળિયામાં રહેતા અનસ મોહંમદઇમરાન રંગરેઝે સિટિ પોલીસ સ્ટેશનમાં યાકુતપુરામાં મસ્જિદની ગલીમાં રહેતા ઇસામુદ્દીન, કુતમુદ્દીન, જીયાઉદ્દીન, અનસ અને પટેલ ફળિયામાં રહેતા મોઇન સૈયદ, મુબીન સૈયદ, સકરબાનુ અને મહેમુદાબાનુ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારા ભાઇનું આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેથી માર મારી અપહરણ કરી સરસીયા તળાવ પાસે લઇ જઇ માર માર્યો હતો. ત્યારબાદ રાત્રે આઠ વાગે હું બાઇક લઇને નમાઝ પઢવા માટે ઘેરથી નીકળી મદાર હોટલ પાસેથી પસાર થતો હતો ત્યારે મુબીન સૈયદે મને રોકી અપશબ્દો બોલી ફેંટો મારી હતી.
તે સમયે આને મારી નાંખો, તેવી બૂમો પાડતું ટોળું હાથમાં તલવાર, લોખંડની પાઇપ જેવા મારક હથિયારો સાથે ઘસી આવ્યું હતું અને મારી પર તૂટી પડયું હતું. આ અંગે સિટિ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ગુનો દાખલ થયા પછી ધરપકડના ડરથી આરોપીઓ ઘર છોડીને ભાગી ગયા છે. પોલીસે તેઓના સંભવિત આશ્રય સ્થાનો પર પણ તપાસ કરી હતી. પરંતુ, આરોપીઓ મળી આવ્યા નહતા.