વારસિયાની મોબ લિન્ચીંગની ઘટનામાં યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરનારા આરોપીઓ ભાગી ગયા
પકડાયેલા આરોપીઓએ ગુના સમયે પહેરેલા કપડા કબજે કરતી પોલીસ
વડોદરા,શુક્રવારની મોડીરાતે વારસિયા વિસ્તારમાં થયેલી મોબ લિન્ચીંગની ઘટનામાં અન્ય આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા ચાલી રહી છે. હાલમાં આઠ આરોપીઓ પોલીસે ઝડપી પાડયા છે. જોકે, જે આરોપીઓએ તલવાર,લાકડી અને પાઇપથી હુમલો કર્યો હતો. તેઓ ભાગી ગયા છે. જેથી, પોલીસે તેઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં ચોર ટોળકી ફરતી હોવાની અફવાઓ વચ્ચે ગત શુક્રવારે મોડીરાતે વારસિયા વિસ્તારમાં ચોરીના ઇરાદે નીકળેલા ત્રણ યુવકો ટોળાના હાથે ઝડપાઇ ગયા હતા. રોષે ભરાયેલા ટોળામાં સામેલ કેટલાક આરોપીઓએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ટોળાએ ગડદાપાટુનો માર માર્યો હતો. ટોળાના હુમલામાં ઇજાગ્રસ્ત શહેબાઝનું મોત થયું હતું.જ્યારે ઇકરામાની હાલત ગંભીર હોવાથી તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે સ્થળ પરથી ભાગી ગયેલા ત્રીજા યુવક સાહિલને પોલીસે પાછળથી ઝડપી પાડયો હતો. ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ સિટિ પી.આઇ. આર.બી. ચૌહાણે હાથ ધરેલી તપાસ દરમિયાન આ ગુનામાં સામેલ ૮ આરોપીઓ ઝડપાઇ ગયા હતા. જે પૈકી ૪ આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે. તેઓના રિમાન્ડ આવતીકાલે પૂરા થશે. ગુના સમયે આરોપીઓએ પહેરેલા કપડા પોલીસે કબજે લીધા છે. જોકે, તલવાર અને પાઇપ વડે હુમલો કરનાર આરોપીઓ હજી પકડાયા નથી. પોલીસ તેઓને શોધી રહી છે. પરંતુ, આરોપીઓ ઘર છોડીને જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી પાસેથી એક લાકડી કબજ ેકરી છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના પડઘા ના પડે તે માટે પોલીસ તંત્ર સતર્ક થઇ ગયું છે. પોલીસે સોસાયટીના આંતરિયાળ વિસ્તારમાં પણ પેટ્રોલિંગ શરૃ કરી દીધું છે. હોમગાર્ડના જવાનોને પણ પોઇન્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે.